Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

નવા શૈક્ષણિક કેલેન્ડરથી RTE હેઠળ પ્રવેશ અંગે પણ અવઢવ

શાળાઓ એપ્રિલથી શરૂ થાય તો, પ્રવેશ કાર્યવાહી માર્ચમાં પૂરી કરવી પડે

અમદાવાદ તા. ૭: અમદાવાદ સહિત રાજયભરની શાળાઓમાં બોર્ડ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શિક્ષણ વિભાગે રાજયની તમામ શાળામાં ર૦ એપ્રિલ, ર૦ર૦ થી નવા સત્રનો આરંભ કરવાની જાહેરાત કરતાંની સાથે જ ઉચાટની પરિસ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને આરટીઇની પ્રક્રિયા માર્ચમાં પૂરી કરી દેવી પડે, જે હાલના સંજોગોમાં મુશ્કેલરૂપ બનશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે કે નુકસાન જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે એટલું જ નહિં, નવા નિર્ણયની સાથે અનેક બાબતોમાં ફેરફાર લાવવા પડશે. અત્યારે શિક્ષકોની વય નિવૃત્તિની તારીખ ૩૧ મે નકકી કરેલી, જે બદલીને હવે ૩૧ માર્ચ કરવી પડશે.

આની સાથે-સાથે બોર્ડની પરીક્ષા પેટર્નમાં પણ ફેરફાર કરવા પડશે. અત્યારે ભલે સીબીએસઇ પેટર્ન પ્રમાણે સત્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હોય, પરંતુ સમગ્ર અભ્યાસક્રમ પણ એ જ પેટર્ન પ્રમાણે કરવો જોઇએ તેવી માગ ઉઠી રહી છે. હાલમાં ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડ પરીક્ષામાં એમસીકયુ પ્રમાણે પ્રશ્નો પુછાય છે, જયારે સીબીઆઇમાં આ મુજબની પેપર સ્ટાઇલ નથી.

શિક્ષક સંઘનો આક્ષેપ છે કે સરકારે આ પ્રમાણે નિર્ણય લેતાં પહેલાં કોઇ ચર્ચા-વિચારણા કરી નથી. શિક્ષકો બોર્ડનાં પેપર જોશે કે પરિણામ તૈયાર કરશે. જો બોર્ડનાં પેપર તપાસવા નહિ જાય તો પણ તેમને દંડ ફટકારવામાં આવશે. બીજી તરફ આરટીઇની પ્રવેશ પ્રક્રિયાનો સમય પણ બદલવો પડશે. આરટીઇ પ્રક્રિયા ઘણી લાંબી છે. ૩૦ થી ૪૦ દિવસ વાંધા અરજી માટે કામગીરી ચાલે છે. આ માટે માર્ચ મહિનામાં તમામ કામગીરી પૂરી કરી દેવી પડે, જેની હજુ શરૂઆત પણ કરવામાં આવી નથી. આવા સંજોગોમાં આરટીઇ અંતર્ગત એડમિશન મેળવનાર વિદ્યાર્થીને એક મહિનાનું શિક્ષણકાર્ય ગુમાવવું પડે.

(3:34 pm IST)