Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

શતાબ્દી ટ્રેનમાં પણ હવે તેજસ જેવી સુવિધાઓ મળશે

શતાબ્દીનું સંચાલન પણ આઇઆરસીટીસીને સોંપવાની વિચારણા

અમદાવાદ તા. ૭ :.. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી ખાનગી ટ્રેન તેજસ બાદ હવે ટૂંક સમયમાં અમદાવાદ-મુંબઇ રૂટ પર દોડતી શતાબ્દી ટ્રેન હવે ખાનગી ટ્રેન બનવા જઇ રહી છે. આ અંતર્ગત હવે શતાબ્દી ટ્રેનમાં પણ રેલવે મુસાફરોને અત્યારે તેજસ ટ્રેનમાં મળતી તમામ સુવિધાઓ મળવાની શરૂ થશે. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી શતાબ્દી ટ્રેનને પણ હવે ખાનગી ટ્રેનમાં તબદીલ કરવા માટેના આયોજન શરૂ થઇ ગયા હોવાનું અત્યંત આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળે છે. આ વર્ષના અંત સુધીમાં તમામ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. શતાબ્દી ટ્રેનને પણ આઇઆરસીટીસી ને સોંપી દેવાનો તખ્તો તૈયાર થઇ ચૂકયો છે. ગયા વર્ષે રેલ્વે ભવનમાં આયોજીત ભારતના અલગ અલગ રેલવે ઝોનના જનરલ મેનેજરની બેઠકમાં રેલ્વે બોર્ડના અધ્યક્ષની ઉપસ્થિતીમાં શતાબ્દી અને રાજધાની એકસપ્રેસને ખાનગી એજન્સીને સોંપવા માટેનો રોડ મેપ રજૂ કરાયો હતો. જેને હવે અંતિમ મહોર લાગી શકે છે.

રેલ્વે વિભાગના સુત્રોનાં જણાવ્યા મુજબ શતાબ્દી ટ્રેનનું સંચાલન પણ આઇઆરસીટીસી દ્વારા જ કરવામાં આવશે. જેમાં ટ્રેનના સંચાલનનો ખર્ચો આઇઆરસીટીસી ઉપડાશે. અને એન્જિન કોચનું ભાડુ પણ આઇઆરસીટીસી દ્વારા રેલવેને ચુકવાશે. શતાબ્દીની ટ્રિપ દીઠ આવકનો અમુક ભાગ રેલ્વેને ચુકવવામાં આવશે. ર૦ર૦ના અંત સુધીમાં શતાબ્દી એકસપ્રેસને ખાનગી ટ્રેન બનાવી ફેરવવાની યોજના છે. તેજસ ટ્રેનમાં મળતી સુવિધા પણ શતાબ્દીના મુસાફરોને મળશે. જો કે આઇઆરસીટીસી દ્વારા જયારે ટ્રેન દોડાવવામાં આવશે ત્યારે હાલના શતાબ્દીના ભાડા કરતાં ભાડુ વધી જશે.

(3:34 pm IST)