Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કરોડોના ખર્ચ છતાં અમદાવાદ સિવિલમાં વેન્ટિલેટર માટે રોજ 30 દર્દીનું વેઈટીંગ !!

વેન્ટિલેટરની અછતના કારણે લોકોને ભારે હાલાકી

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ગણના એશિયાની નંબર વન હોસ્પિટલમાં થાય છે પરંતુ આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની અછતના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અને અત્યાધુનિક સાધનો વાળી 1200 બેડની અમદાવાદ સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલમાં કરોડોનો ખર્ચ કર્યા પછી પણ દર્દીઓને વેન્ટિલેટરની અછતના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વેન્ટીલેટરના અભાવે દરરોજ 30 કરતા વધારે દર્દીઓને સારવાર માટે રાહ જોવી પડે છે.

આ બાબતે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જી.એચ.રાઠોડ કહી રહ્યા છે કે, હોસ્પિટલમાં 160 વેન્ટિલેટર છે પણ સિવિલ હોસ્પિટલ એક ટર્સરી કેર હોસ્પિટલ છે એટલા માટે અમદાવાદ જ નહીં રાજ્યના અન્ય જિલ્લાઓના લોકો પણ અહીં સારવાર લેવા માટે આવે છે. રોજના 3500 દર્દીઓના કેસ ટ્રોમાં સેન્ટરમાં નોંધાઈ છે. આ 3500 દર્દીઓમાંથી 350થી 400 દર્દીઓને વધારે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આ કારણે જ રોજના 25થી 30 દર્દીઓને વેન્ટિલેટર માટે રાહ જોવી પડે છે.

આ બાબતે આરોગ્ય વિભાગના સચિવ કહી રહ્યા છે કે, હોસ્પિટલમાં કુલ મળી 500 જેટલા વેન્ટિલેટર છે પરંતુ બિનજરુરી વેન્ટિલેટર રોકવામાં આવી રહ્યા છે, જેના કારણે જરુરિયાતમંદ દર્દીને તેનો લાભ મળતો નથી. આ બાબતે અમે એક જાગૃતિ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આગામી દિવસમાં આ બાબતે એક સરક્યુલર પણ લાવી રહ્યા છીએ.

  અત્રે ઉલ્લેખનીય છે કે, વેન્ટિલેટરની અછતના કારણે ઘણી વાર તો દર્દીઓના સગા સંબંધીઓ વચ્ચે ઝઘડો થવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે છે અને કેટલીક વાર બહારગામથી આવેલા દર્દીઓના પરિવારજનોને કલાકો સુધી વેન્ટિલેટર માટે લાઈનમાં બેસવું પડે છે.

(1:02 am IST)