Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કડી તાલુકાના દેવુસણા નજીક પતિના આડા સંબંધથી કંટાળી પત્નીએ તીક્ષ્ણ હથિયારના ઘા જીકી પતિનું ઢીમ ઢાળી દીધું

મહેસાણા:કડી તાલુકાના દેવુસણા ગામમાં આડા સંબંધોથી પિડીત પત્નીએ ઠંડા કલેજે પોતાના પતિની હત્યા કરી નાખી તેની લાશને ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં ખાડો ખોદીને દાટી દીધી હોવાનું ખૂલતાં ચકચાર મચી જવા પામી હતી. નોંધપાત્ર છે કે મરનાર યુવક છેલ્લા પાંચ દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો.

દેવુસણાના ઠાકોરવાસમાં રહેતા લક્ષ્મણજી છનાજી ઠાકોરના બીજા લગ્ન નાસીકના હાટીગામની હીરાબેન ઠાકોર સાથે થયા હતા. તેમના ત્રણ સંતાનો હતા. જોકે લગ્ન બાદ છેલ્લા એક વર્ષથી હીરાબેન તેના પતિ ઉપર ચારિત્ર્ય અંગે શંકા રાખતા હોવાથી વારંવાર તકરાર થતી હતી. દરમિયાન પાંચેક દિવસ પહેલા એકાએક લક્ષ્મણજી ગુમ થઈ ગયા હતા. તે બાબતે તેમના મોટાભાઈ નટુજીએ હીરાબેનને પુછતાં તેણીએ રૃ.૧૦ હજાર લઈને સાસરીમાં ગયા હોવાનું જણાવ્યુ હતું. જોકે, દેવુસણાની સીમમાં આવેલા કંકાવાળા ખેતરની ઓરડીમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં ખેતમજૂરોએ તપાસ કરી હતી. જેમાં જમીનમાં કંઈક દાટવામાં આવ્યું હોવાનું માલૂમ પડતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. અને ખોદવામાં આવતા અંદરથી લક્ષ્મણજીની લાશ મળી આવી હતી. જેથી પોલીસે હીરાબેનની પુછપરછ કરતાં તેમણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમણે ચારિત્ર્યની શંકામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી પોતાના પતિની હત્યા કરી નાખી લાશને ઓરડીમાં દાટી દીધી હોવાનું ખુલ્યું હતું.

(5:19 pm IST)