Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઝાલોદના કુટણખેડામાં રસ્તે રઝળતી માનસિક અસ્થિર યુવતીને નરાધમોએ હવસનો શિકાર બનાવતા ગર્ભવતી

પિતાના અવસાન બાદ માતા છોડીને જતી રહેતા નિરાધાર બની હતી : અજાણ્યા હવસખોર સામે ગુનો દાખલ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા કુટણખેડા ગામે ઘર પરિવાર વગરની રસ્તે રઝળતી માનસિક અસ્થિર યુવતીને નરાધમોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. યુવતી બીમાર થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ખબર પડી કે તેને તો ૯ મહિનાનો ગર્ભ છે હવે પોલીસે અજાણ્યા હવસખોરો સામે ગુનો દાખલ કર્યો છે.

 કુટણખેડા ગામે રહેતી એક ૨૫ વર્ષની યુવતીના પિતાનું ૧૦ મહિના પહેલા મોત થયુ હતુ અને માતા પણ છોડીને જતી રહેતા યુવતી એકલી બની હતી. ગરીબી અને એકલતાના કારણે તે માનસિક અસ્થિર બની ગઇ હતી. ગામમાં રખડતી રહેતી હતી અને કોઇ ભોજન આપે તો ખાઇ લેતી હતી.

આ દરમિયાન થોડા દિવસ પહેલા તેની તબિયત લથડતા કોઇ ગ્રામજને તેને દાહોદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી ત્યાથી ડોક્ટરોએ રિફર કરતા તેને કાલે એસએસજી હોસ્પિટલમાં લવાઇ હતી જ્યાં તપાસ કરતા જાણવા મળ્યુ કે તેને ૩૫ અઠવાડિયાનો (૯ મહિનાનો) ગર્ભ છે આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા લીમખેડા પોલીસે અજાણ્યા હવસખોર સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(12:30 pm IST)