Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

સ્કુલી બાળકોએ સૈનિકો માટે લાખોનો એકત્રિત કરેલો ફંડ

નવા વાડજની સ્કૂલના વિદ્યાર્થીઓની પ્રેરણારૂપ પહેલઃ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી ૧૨૦ બોટલ બ્લડ પણ એકત્રિત : જિલ્લાના શિક્ષણાધિકારી પ્રભાવિત

અમદાવાદ,તા. ૭: શહેરના નવા વાડજ વિસ્તારની નીમા વિદ્યાલયના બાળકોએ શહીદ સૈનિકોના પરિવારજનોની સહાય માટે રૂ.એક લાખ, અગિયાર હજાર જેટલો ફાળો એકત્ર કર્યો હતો અને સૈનિક વેલ્ફેર બોર્ડમાં જમા કરાવ્યો હતો. એટલું જ નહી, શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજી ૧૨૦ બોટલ બ્લડ પણ એકત્ર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ કર્મચારીઓ દ્વારા આ પ્રકારના સેવાકાર્યને ખુદ જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલે સરાહના કરી હતી. શહેરના નવા વાડજ વિસ્તારની નીમા વિદ્યાલય સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે વિવિધ સામાજિક અને સેવાકાર્યો દ્વારા સમગ્ર શિક્ષણજગતમાં અને સમાજમાં એક અનોખી પ્રેરણા પૂરી પાડતું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે. આ વખતે નીમા વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સેનાના શહીદ સૈનિકોના પરિવારજનોની સહાય માટે કુલ ૧,૧૧,૦૦૦નો ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓએ ઉઘરાવેલા આ ફાળાની રકમ સૈનિક વેલ્ફેર બોર્ડમાં જમા કરાવાઇ હતી. તો, શાળાના સંસ્થાપક સ્વ.ચીમનલાલ પટેલના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના સ્ટાફ કર્મચારીઓ સહિતના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં રકતદાન કર્યું હતું. ખુદ બોર્ડ મેમ્બર જીગીશભાઇ શાહે પણ રકતદાન કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા પણ ૧૨૦ જેટલી બોટલ બ્લડ એકત્ર કરાયું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનોખુ પ્રેઝન્ટેશન રજૂ કરી સામાજિક સંદેશો આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓના આ સેવા કાર્યને જોઇ ભારે પ્રભાવિત થયા હતા. તેમણે વિદ્યાર્થીઓની આ અનોખી અને પ્રેરણારૂપ પહેલની ભારોભાર પ્રશંસા કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

(9:49 pm IST)