Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ટયુશન કલાસીસના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતી

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચારઃ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓ-વાલીઓએ કલાસીસ પર જઇને તોડફોડ કરી હંગામો મચાવ્યો : આરોપી શિક્ષક પલાયન

અમદાવાદ,તા. ૭: શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા ઉમિયા ક્લાસીસમાં હિતેશ પટેલ નામના ટીચરે ટ્યૂશન માટે આવતી વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાની ઘટના સામે આવતાં આજે વિદ્યાર્થી અને વાલીઓએ ખૂબ મોટી સંખ્યામાં કલાસીસ પર પહોંચી જોરદાર હોબાળો મચાવ્યો હતો અને કલાસીસમાં જોરદાર તોડફોડ મચાવી હતી. જો કે, કલાસીસનો સંચાલક આ સમગ્ર હોબાળા અને તોડફોડ પહેલાં જ ગભરાઇને રફુચક્કર થઇ ગયો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થી અને વાલીઓએ જોરદાર સૂત્રોચ્ચાર અને હોબાળા સાથે ઉમિયા કલાસીસના ટીચર હિતેશ પટેલની ધરપકડ કરી તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ કલાસીસમાં ફર્નીચર, બેન્ચીસ, બોર્ડ, કાચ-પાર્ટીશન સહિતના સરસામાનની તોડફોડ કરી જોરદાર હંગામો મચાવ્યો હતો. ટયુશન કલાસીસમાં સંચાલક દ્વારા વિદ્યાર્થીનીની છેડતીના સમાચાર વાયુવેગે પ્રસરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા અને તોડફોડની ઘટનાને લઇને પણ સમગ્ર મામલો ગરમાયો હતો. સ્થાનિક લોકો પણ હોબાળાને લઇ ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બાદમાં વાલીઓ હંગામો કરતાં ઇસનપુર પોલીસમથક પહોંચ્યા હતા અને આરોપી ટીચર હિતેશ પટેલની તાત્કાલિક ધરપકડ કરી તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, પોલીસે પણ વાલીઓનો આક્રોષ જોઇને આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી અને સમગ્ર મામલો થાળે પાડયો હતો. વાલીઓની માંગણી મુજબ, આ સમગ્ર પ્રકરણમાં હતી. વિદ્યાર્થિનીઓએ વાલીઓને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ક્લાસીસ પર તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે આરોપી સંચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યુ છે.

(9:45 pm IST)