Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

અનામતની જાહેરાત લોલીપોપ સાબિત ન થાય : હાર્દિક પટેલ

લાલજી, અલ્પેશ સહિતના નેતાઓની પણ પ્રતિક્રિયાઃ વાસ્તવિકરીતે અમલીકરણ નહી થાય તો આંદોલન ચાલુ રહેશે : લાલજી પટેલ : ચૂંટણી ટાણે જાહેરાત થતાં સવાલો

અમદાવાદ,તા. ૭: કેન્દ્રની મોદી સરકાર દ્વારા સર્વણ જ્ઞાતિના આર્થિક રીતે નબળા લોકોને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરાઇ છે અને આ માટે બંધારણમાં સંશોધન કરવામાં આવશે તેવી પણ હૈયાધારણ અપાઇ ત્યારે પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા, એસપીજીના લાલજી પટેલ તથા કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ દ્વારા પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે, આ પહેલા આનંદીબેન પટેલે પણ દસ ટકા અનામત આપવાની વાત કરી હતી. લોકસભા ચૂંટણી આવવાને માત્ર થોડા મહિના બાકી છે ત્યારે આ ચૂંટણીલક્ષી નિર્ણય હોય તેવુ લાગે છે. બંધારણીય રીતે જો દસ ટકા અનામત મળે અને રોજગારી તથા શિક્ષણમાં અનામત મળતી હોય તો અમે તેનો સ્વીકાર કરીએ છીએ. રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં સવર્ણ સમાજ ભાજપથી નારાજ હોઇ તેમને મનાવવાનો ઉપાય હોઇ શકે છે. પરંતુ આ અનામત આગામી ત્રણ મહિનામાં મળી જવી જોઈએ. સરકારની આ જાહેરાત લોલીપોપ સાબિત ન થવી જોઈએ તે મુખ્ય વાત છે. સવર્ણોની અનામતની લડાઇને તોડવાનો પણ આ કારસો હોઇ શકે છે. કેન્દ્રની મોદી સરકારનો આ જુમલો સાબિત ન થાય તેવી અમારી આશા છે. એક તરફ રૂપાણી સરકાર ગુજરાતમાં અનામત આપવા માટે સવર્ણોનો સર્વે કરાવવાની વાત કરતી હતી ત્યારે કેન્દ્રની મોદી સરકારે કોઈ સર્વે કરાવ્યા વિના કેવી રીતે આ નિર્ણય લઇ લીધો? જો સરકારે અનામતનો નિર્ણય પહેલા લીધો હોત તો ૧૪ પાટીદાર યુવાનોના મોત થયા ન હોત. પરંતુ એક વાત એ પણ છે કે, વડાપ્રધાન મોદી પાસે રહેલુ અનામતનું તીર નીકળી ગયું છે. સરકાર હવે સંસદમાં કેવી રીતે આ અનામત મંજૂર કરાવે છે તે જોવુ રહ્યું. દરમ્યાન એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, અમે સરકારના નિર્ણયને આવકારીએ છીએ પણ આ જાહેરાત ટકાઉ હોવી જોઈએ. માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત બની ન જાય તેનું સરકારે ધ્યાન રાખવું પડશે. જો તેનો સાચા અર્થમાં અમલ નહી થાય તો, અમારું અનામતને લઇ આંદોલન ચાલુ રહેશે. સુરત પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાએ પણ કહ્યું હતું કે, સરકાર દ્વારા સવર્ણોને અનામત આપવામાં આવે તે યોગ્ય છે પરંતુ સરકાર તેનો અમલ કેવી રીતે કરે છે તે જોવું રહ્યું. કેન્દ્રમાં મોદીની સરકાર ચાર વર્ષથી છે તો પછી હવે ચૂંટણી આવવાની છે ત્યારે જ કેમ આ નિર્ણય લેવાયો? કોંગ્રેસ અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે કેન્દ્રની મોદી સરકારના નિર્ણયને આવકારતા કહ્યું હતું કે, જો કોઈ ગરીબને સરકાર દ્વારા થોડું ઘણું મળતું હોય તો તેનો વિરોધ ન કરવો જોઈએ.

(9:15 pm IST)