Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગુજરાત સહિત લગભગ રાજયોમાં આ વખતે પૂર્ણ બજેટ નહિ પણ લેખાનું દાન

ફેબ્રુઆરી મધ્યે અઠવાડીયાનું સત્રઃ નાણા વિભાગમાં ધમધામટ

ગાંધીનગર તા. ૭ :.. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ વખતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સહિત તમામ રાજયોમાં બજેટના બદલે ૩ થી ૪ માસનું લેખાનુંદાન આવે તેવા સંજોગો છે. સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતમાં ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડીયાથી માર્ચ અંત સુધી બજેટ સત્ર ચાલતુ હોય છે. પરંતુ આ વખતે એપ્રિલ - મે માં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી રાજયમાં પુર્ણ બજેટનાં બદલે ફેબ્રુઆરી મધ્યમાં ટૂંકુ સત્ર બોલાવી લેખાનું દાન રજુ કરાશે. ગુજરાતમાં તે પૂર્વે મોટી જાહેરાતો સંભવ છે.

આ બાબતને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા જુદા જુદા વિભાગોની નાણાંકીય પરિસ્થિતિ અંગે વિગતવાર દરખાસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજયના મુખ્ય સચિવ દ્વારા આ અંગે તમામ વિભાગોને નાણાંકીય વર્ષની દરખાસ્તો  સત્વરે રજૂ કરવામાં આવે તેવી સુચનાઓ આપવામાં આવી છે.

આ વર્ષ દરમ્યાન ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના કારણે દેશના કેટલાય રાજયોમાં પૂર્ણ બજેટ નહી રજૂ થાય અને રાજય સરકારો દ્વારા બોટ ઓન એકાઉન્ટ રજૂ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થયા બાદ પુર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. (પ-ર૦)

(11:50 am IST)