Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ના બેનર પર નજર પડી અને લાંચ આપવાના બદલે એસીબીમાં ફરીયાદ કરી

ટ્રેપ મની સાથે નાસેલા જમાદારને શોધવા મદદનીશ નિયામક કે.એચ.ગોહીલે વિવિધ ટીમો બનાવી : ધાનેરા જેવા નાના તાલુકામાં ૬ માસમાં ૪ કેસો નોંધાયાની ભીતરમાં: એસીબી વડા કેશવકુમારની જહેમત ફળી

રાજકોટ, તા., ૭: બનાસકાંઠાના ધાનેરા  તાલુકાના નેનાવા આઉટ પોસ્ટના જમાદાર  જેન્તીભાઇ પ્રજાપતી અનાજ દળવાની ઘંટીવાળા સામે દારૃના કેસમાં ૧પ હજારની લાંચ માંગ્યા બાદ લાંચ લેતા સમયે ગમે તે ગંધ આવી જતા એસીબીએ ફરીયાદીને આપેલ અદ્રશ્ય પાવડર સાથેની નોટ સાથે ભાગી છુટયો છે. ઉકત જમાદારને પકડવા માટે બોર્ડર રેન્જના એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલે વિવિધ ટીમો બનાવી આરોપી જમાદારને ઝડપવા માટે કાર્યવાહી કરી છે. કૃષ્ણકુમારસિંહ ગોહીલે આ બાબતે વિશેષ તપાસની જવાબદારી બનાસકાંઠાના એસીબી પીઆઇ જે.કે.પટેલને સુપ્રત કરી છે.

જેમની સામે એસીબીએ ટ્રેપ મની સાથે ભાગી જઇ પુરાવાનો નાશ કરવાનો ગુન્હો નોંધ્યો છે તે કિસ્સામાં એક રસપ્રદ બાબત બહાર આવી છે. ફરીયાદી લાંચની માંગણી થતા હવે શું કરવું? તેની મુંઝવણમાં હતા આ દરમિયાન રાજયભરમાં એસીબી વડા કેશવકુમારના આદેશથી ટોલ ફ્રી નંબર ૧૦૬૪ વાળા જે બોર્ડ અને બેનર લાગ્યા છે તે જોઇ ફરીયાદીએ પોતાનું મન મક્કમ કરી ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક સાધતા જ સમગ્ર છટકુ ગોઠવાયું હતું.

ધાનેરા તાલુકાની જ વાત કરીએ તો ૬ મહિનામાં આ ચોથો કેસ લાંચ રૃશ્વત અંગેનો નોંધાયો છે. એસીબી સુત્રોના કથન મુજબ એસીબી વડા દ્વારા ટોલ ફ્રી નંબરનો વ્યાપક પ્રચાર થવા સાથે એસીબી ફરીયાદ મળ્યે ચમરબંધી સામે પણ કાર્યવાહી કરે છે તેવા અખબારી અહેવાલો આધારીત લોકોનો વિશ્વાસ પણ એસીબી પર દિવસેને દિવસે વધતો જતો હોવાનું ફલીત થયા વગર રહેતું નથી. 

અત્રે યાદ રહે કે લાંચ રૃશ્વત વિરોધી બ્યુરોમાં જે રીતે કેશવકુમારે ચાર્જ સંભાળ્યા બાદ પોતાના સીબીઆઇના બહોળા અનુભવ આધારે એસીબીમાં સીબીઆઇ પધ્ધતીથી જ છટકા ગોઠવવા, કોર્ટમાં જામીન ન મળે તે જોવું, સ્ટાફને અપ્રમાણસર મિલ્કત અંગે તાલીમ  આપવામાં આવે છે, બીજી તરફ પોતાની નિષ્ઠા માટે જાણીતા કે.એચ.ગોહિલે બોર્ડર રેન્જના જીલ્લાઓમાં સપાટો બોલાવ્યો છે.

(12:19 pm IST)