Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

કાલથી બે દિ' રાજકોટ સહિત રાજ્યભરમાં પોસ્ટલ કર્મચારીઓની હડતાલઃ મોટાભાગની સેવાઓ ખોરવાશે

નવી પેન્શન સ્કીમ, જીડીએસ, ખાલી જગ્યાઓ સહિતની એક ડઝન માંગણીઓઃ દેકારો બોલી જવાનો ભય

રાજકોટ, તા. ૭ :. એનએફપીઈ તથા ઈએનપીઓ યુનિયનના સંયુકત આદેશાનુસાર કાલથી બે દિવસ પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ તથા આરએમએસ (રેલ્વે મેઈલ સર્વિસ)ના તમામ કર્મચારીઓ સજ્જડ હડતાલ પાડશે તેમ દામજીભાઈ બી. ચાવડા સેક્રેટરી-પોસ્ટમેન, ગ્રુપ ડી યુનિયન રાજકોટ કે.બી. ચુડાસમા સેક્રેટરી અને પ્રવિણ સોંડાગર, જે.એમ. સોરઠીયાએ ઉમેર્યુ હતું.

હડતાલની મુખ્ય માંગણીઓમાં નવી પેન્શન સ્કીમ (એનપીએસ)ના સ્થાને જૂની પેન્શન સ્કીમ આપો અને છેલ્લા પગારના મિનિમમ ૫૦ ટકા પેન્શન આપો તેમજ ફેમિલી પેન્શન આપો. જીડીએસ માટે કમલેશચંદ્ર કમિટીના સકારાત્મક ભલામણોનો અમલ. પોસ્ટલ, આરએમએસ, એમએમએસ, એડીમન, એસબીસીઓ, એકાઉન્ટસ અને તમામ કેડરોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરો. સીએસઆઈ તથા આરઆઈસીટીના અમલમાં ઉભી થતી તમામ સમસ્યાઓ હલ કરો. એમએસીપીમાં 'વેરી ગુડ' બેન્ચમાર્ક દૂર કરવા અને એમએસીપી/આરટીપી માટે હાઈકોર્ટ - સુપ્રીમ કોર્ટના આદેશોનો અમલ કરવાનો સમાવેશ થાય છે.

આ હડતાલને કારણે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ સહિત તમામ પોસ્ટ ઓફિસ અને રેલ્વે મેઈનલ સર્વિસમાં તમામ કામગીરી ઠપ્પ થઈ જશે. મની ઓર્ડર, ટપાલ ટીકીટ, પોસ્ટલ વહન, રજીસ્ટર્ડ સહિતની તમામ સેવાને ગંભીર અસર થશે તેમ પણ યુનિયન આગેવાનોએ ઉમેર્યુ હતું.(૨-૪)

(11:04 am IST)