Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ગાંધીનગર આરઆલસેલની ટીમે બાતમીના આધારે બોગસ કોલ સેન્ટર પર દરોડા પાડી ત્રણ આરોપીને 1.8 લાખના મુદામાલ સાથે દબોચ્યા

ગાંધીનગર:હાલમાં વિવિધ સોફટવેરનો ઉપયોગ કરીને વિદેશના નાગરિકોને લાલચ આપી છેતરપીંડી આચરતા બોગસ કોલ સેન્ટર વધી રહયા છે ત્યારે ગાંધીનગર આરઆર સેલની ટીમે બાતમીના આધારે સાંતેજના બોગસ કોલ સેન્ટર ઉપર દરોડો કરી ત્રણ આરોપીઓને ૧.૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ આરોપીઓ આઈબીમ સોફટવેરનો ઉપયોગ કરી અમેરીકાના નાગરીકોને છેતરતાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી બોગસ કોલ સેન્ટરો ધમધમી રહયા છે અને તેને પકડવા માટે પોલીસ દ્વારા દોડધામ પણ કરાઈ રહી છે ત્યારે ઘણાં કોલ સેન્ટરો એવા સ્થળોએ ચાલી રહયા છે જયાં પોલીસને તેની ગંધ સુધ્ધા પણ આવતી નથી. ગાંધીનગર ઈન્ફોસીટીને આઈટી હબ માનવામાં આવે છે ત્યારે આવા સ્થળેથી પણ વિદેશના નાગરિકો સાથે છેતરપીંડી કરતાં બે બોગસ કોલ સેન્ટર ઝડપાઈ ચુકયા છે. ત્યારે ગાંધીનગર આરઆર સેલની ટીમ પણ આવા બોગસ કોલ સેન્ટર પકડવા માટે દોડધામ કરી રહી હતી.

ત્યારે આરઆર સેલના પીએસઆઈ બી.આર.રબારીને બાતમી મળી હતી કે નાંદોલી ગામે વાત્સલ્ય-૧, બંગલા નં.૧૧૭ માં નિર્મલ રસીકભાઈ સોની રહે. સારંગપુરે ભાડે રાખી કોમ્પ્યુટર તેમજ ડીઆઈડી અને આઈબીમ મેન્યુઅલ કોનીક સોફટવેરનો ઉપયોગ કરી અમેરીકાના નાગરિકોને કોલ કરી વિશ્વાસઘાત કરીને ઠગાઈ કરી રહયા છે.

જે બાતમીના આધારે આરઆર સેલની ટીમે રેડ કરતાં નિર્મલ સોની, કેવીન ધીરજભાઈ વાઘેલા રહે.નડીયાદ અને કેવલ સરજુદાસ ગોંડલીયા રહે.વેજલપુર એક લેપટોપ, ત્રણ આઈબીમ સોફટવેર અને મોબાઈલ મળી કુલ ૧.૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. આ સંદર્ભે સાંતેજ પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

 

(5:53 pm IST)