Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

સીતાજીને બચાવવા માટે જટાયુની વૈશ્વિક શહિદીઃ પૂ. મોરારીબાપુ

સુરતમાં શહિદ જવાનોના પરિવારોના લાભાર્થે આયોજીત ''માનસ શહિદ'' શ્રી રામકથાનો પાંચમો દિવસ

રાજકોટ તા. ૬: ''સીતાજીનું હરણ કરતી વખતે રાવણના હાથમાંથી સીતાજીને બચાવવા માટે જટાયુ નામના પક્ષીએ ખૂબજ મહેનત કરી હતી અને પ્રાણની આહુતી આપી દીધી હતી જેને જટાયુની વૈશ્વિક શહિદી કહેવાય.'' તેમ પૂ. મોરારીબાપુએ સુરતમાં શહિદ જવાનોના પરિવારોના લાભાર્થે આયોજીત ''માનસ શહિદ'' રીરામ કથાના પાંચમા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે, જટાયુને પોતાના મૃત્યુ વખતે શ્રીરામને જોવાની ઇચ્છા હતી અને છેલ્લી ઘડીએ રાવણ ન દેખાય જાય તે માટે સતત આંખ મીંચીને શ્રીરામ ભગવાનની રાહ જોતા હતા.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે, કોઇ શહિદી આવે ત્યારે સૌ ભેગા થજો અને શહિદીને એળે જવા ન દેતા.

પૂ. મોરારીબાપુએ કાલે ચોથા દિવસે કહ્યું કે, આપણા ચાતુર્માંસ એ આપણા ગુરૂનું ચરણ છે, ગુરૂનું શરણ છે અને ગુરૂનું સ્મરણ છે. ગુરૂની આંખ જેવી કોઇની આંખ નથી અને એક વાત ખાસ યાદ રાખજો કે, મૃત્યુ આવે ત્યારે કર્મો જાહેર કરી દેજો પરંતુ સ્મરણને ગુપ્ત રાખવું.

માનસમાં જટાયું અને દશરથ રામના તાત (પિતા) છે. જટાયુનું અને દશરથનું મૃત્યુ એ ધન્ય છે. જટાયુ હરિધામ ગયો અને દશરથ એ સુરધામ ગયા. શહીદના મૃત્યુ જેવું કોઇ મૃત્યુ નથી.

જેની પાસે ધન હોય એને ધન્ય કહેવાય છે. વનમાં રહે તે વન્ય કહેવાય. આપણે ત્યાં એ જ પ્રકારનો એક અન્ય શબ્દ પણ છે. જગન્ય. આપણે ત્યાં ત્રણ પ્રકારે કેન્સર થાય છે તનનું મનનું અને ધનનું. તનનું કેન્સર કોઇ ડોકટરના ઇલાજથી નાશ પામે. મનનું કેન્સર કોઇ સદગુરૂના ઇલાજથી નાશ પામે અને ધનના કેન્સર માટે બે ઇલાજ છે. (૧) ઇન્કમટેકસ અને (ર) દાન, દાન એ મોટામાં મોટો ધનની ગાંઠનો વૈદ્ય છે. રામજન્મની વધાઇ સાથે બાપુએ ગઇકાલની કથાને વિરામ આપ્યો હતો.

શહીદ મેજર પદ્મપાણી આચાર્યના પરિવારને સહાય અર્પણ

મુળ બેંગ્લોરના વતન એવા મેજર પટ્ટાપાણી રાજપુતાના રાયફલ્સમાં ફરજ બજાવતા હતા. તેમણે જમ્મુ કાશ્મીરની ચોલો લિંક ચોકી પર છુપાયેલા આતંકવાદીઓ સાથે મુઠભેડમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું એ આ ટોકને કબજે કરી હતી આજે મેજર પટ્ટાપાણીના પત્ની ચારૂલતા પટ્ટાપાણીને મારૂતિ વી રજવાન ટ્રસ્ટ દ્વારા રૂપિયા ર.પ૧ લાખનો ચેક અને સ્મૃતિ ભેટ તેમજ શાલ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

મેજર અક્ષયકુમાર અને આકાશ યાદવના પરિવારને પણ સન્માન સાથે સહાય આપવામાં આવી.

મેજર અક્ષયકુમારે જમ્મુ કાશ્મીરમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું જયારે આકાશ યાદવ કે જેઓ ઇન્ડિયન એરફોર્સમાં પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા. એક હેલિકોપ્ટર ક્રેશ થઇ જતા તેમણે શહીદી વહોરી લીધી હતી. આ બન્ને વીર જવાનોના પરિવારને રૂ. ર.પ૧ લાખની સહાય સાથે શાલ અને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી.

સાવરકુંડલાના સજજને સ્વ. શિક્ષિકા પત્નીનું પેન્શન આપ્યું દાનમાં

રાષ્ટ્ર સેવાના આ યજ્ઞમાં દાન આપવા વ્યાસપીઠ પરથી આજે પુજય બાપુએ રાષ્ટ્ર સેવા માટે દાનનું મહત્વ સમજાવ્યું હતું. પ્રતિદિન માનસ શહીદ રામકથામાં દાનની સરવાણી વહી રહી છે. સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝૂડા ગામના મનસુખભાઇ રાઠોડે એક પત્ર દ્વારા દાનની જાહેરાત કરી હતી. તેમણે પત્રમાં લખ્યું કે પુજય બાપુ, આપની પ્રેરણાથી રાષ્ટ્ર માટે શહીદ થયેલા વીર જવાનોના પરિવારના કલ્યાણ માટે મારી સ્વર્ગસ્થ શિક્ષિકા પત્નીનું પેન્શન, શિક્ષક પુત્રનો પ્રથમ પગાર તથા એ રકમમાં રૂપિયા ૬પ૦૦ ઉમેરી કુલ રૂપિયા રપ૦૦૦ની આર્થિક સહાય અર્પણ કરી મારી પત્નીને શ્રધ્ધાંજલિ અર્પણ કરૃં છું. ઉપરાંત અન્ય દાતાઓ દ્વારા પણ જંગી દાનની જાહેરાત કરવામાં આવી હતી કથા પુર્વે માતબર દાનની જાહેરાત કરનાર દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ પણ આજની ચોથા દિવસની કથાના પ્રારંભ પુર્વે કર્ણની ભુમિ સુરતમાં વસતા દાતાઓને રાષ્ટ્રની સેવા માટે પ્રાણનું બલિદાન આપનાર શહીદ પરિવારના કલ્યાણ માટે આર્થિક યોગદાન આપવા અપીલ કરી હતી. (૭.૩૪)

''જટાયુ''ની કથા ગાવી છે

રાજકોટ તા. ૬: પૂ. મોરારીબાપુએ જટાયુનો પ્રસંગ વર્ણવતા કહ્યું હતું કે, શ્રીરામ કથામાં કયારેક ''જટાયુ'' વિશેની આખી કથા ૯ દિવસ સુધી ગાવી છે.

 

(11:41 pm IST)