Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગુજરાતના 11 આઇએએસ અધિકારીઓને બિહારની ચૂંટણીમાં ઓબ્‍ઝર્વરની જવાબદારી સુપ્રતઃ રાજકોટ-અમદાવાદના પૂર્વ મ્‍યુનિ. કમિશનર વિજય નહેરા સહિતના અધિકારીઓની નિમણુંકો

ગાંધીનગર : બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઇ છે. બિહાર વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર-નવેમ્બરમાં ત્રણ તબક્કામાં યોજાશે જેને લઈને તાબડતોબ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે એવામાં ગુજરાતમાં અમદાવાદનાં પૂર્વ મનપા કમિશનર વિજય નેહરા કે જેઓની વેગનાં સ્તરે મનપા કમિશનરનાં પદેથી ગ્રામીણ વિકાસમાં બદલી કરી દેવાઇ હતી. તેમના સહિત 11 IAS અધિકારીઓને બિહારની ચૂંટણીમાં ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીપંચના નિયમાનુસાર, પોતાના વતનના IAS અધિકારીઓને ઓબ્ઝર્વરની જવાબદારી સોંપી શકાતી નથી. જેના લીધે ગુજરાતના 11 IAS અધિકારીઓને બિહાર ચૂંટણીમાં ઓબ્ઝર્વરની જવાબદારી સોંપાઇ છે.

ગુજરાતનાં જે 11 IAS અધિકારીઓને ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે તેમાં વિજય નેહરા, પી. ભારતી, રૂપવંતસિંઘ, કે.એલ. બચાણી, દિલીપકુમાર રાણા, લોચન સહેરા, ડી.ડી. કાપડિયા, અનુપમ આનંદ, સંદીપકુમાર, બી.કે. પંડ્યા અને એમ.આઈ.પટેલનાં નામ શામેલ છે. આ તમામ અધિકારીઓનું ગઈ કાલે ચૂંટણીપંચે વર્ચ્યુઅલ બ્રિફિંગ સેશન યોજ્યું હતું.

અત્રે નોંધનીય છે કે ચૂંટણી આયોગે ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર સહિત અનેક પ્રદેશોની 56 સીટો અને એક લોકસભા સીટ માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ સીટો પર 3 નવેમ્બરના રોજ મતદાન યોજાશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. જો કે, ચૂંટણી આયોગે નિર્ણય કર્યો છે કે આસામ, કેરલ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની 7 સીટો પર પેટાચૂંટણી નહીં યોજાય. જે સીટો પર ચૂંટણી નહીં યોજાય તેમાં આસામના રંગપારા, સિબસાગર, કેરલની કુટ્ટનાદ અને ચવારા, તમિલનાડુની તિરૂવોટિયૂર, ગુડિયાટ્ટમ (SC) અને બંગાળની ફલકટ (SC) સીટો છે.

રાજ્યમાં કપરાડા બેઠકથી જીતુ ચૌધરી, ડાંગથી મંગલ ગાવિત, લીંબડીથી સોમા પટેલ, ગઢડાથી પ્રવીણ મારુ, ધારીથી જેવી કાકડિયા, મોરબીથી બ્રિજેશ મેરજા, કપરાડાથી અક્ષય પટેલ અને અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામા આપ્યાં હતાં. જેથી આ બેઠકો ખાલી પડી હતી. જેની પર પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવામાં આવશે અને દસમી નવેમ્બરે તેનું પરિણામ આવશે.

આ રાજ્યોમાં ચૂંટણી નહીં યોજાય

ચૂંટણી આયોગે મંગળવારના રોજ આસામ, કેરલ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં હાલમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આયોગે આ રાજ્યોના મુખ્ય સચિવો / મુખ્ય ચૂંટણી અધિકારીઓના ચૂંટણી અને આને સંબંધિત મુદ્દાઓના સંચાલનમાં કઠણાઇઓને વ્યક્ત કરવાવાળા ઇનપુટ મળ્યાં છે.

(5:15 pm IST)