Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

રૂપાલમાં પલ્લીને લઇ બધી તૈયારી : શ્રદ્ધાળુઓ ઉત્સુક

હજારો કિલો ઘી માતાજીની પલ્લીમાં ચઢાવાશે : પાંડવકાળથી ચાલી આવતી માતાની પલ્લીની પ્રથા આજે પણ એટલા ભકિતથી ઉજવાય છે : બધી તૈયારી પરિપૂર્ણ

ગાંધીનગરના રૂપાલ ખાતે આસો સુદ-૯ નોમના દિવસે સોમવારે સુપ્રસિદ્ધ વરદાયિની માતાની ભવ્યાતિભવ્ય પલ્લી યોજાશે. સોમવારે રાત્રે ૧૨-૦૦ વાગે મંદિર પરિસરમાંથી પલ્લીની શરૂઆત થશે. રૂપાલ ગામમાં પાંડવકાળથી ચાલી આવતી પલ્લીના મેળામાં આજે પણ હજારો કિલો ઘી માતાજીની પલ્લીમાં ચઢાવાશે, એ રાત્રે રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. પાંડવોના સમયથી ચાલતી વરદાયિની માતાની પલ્લીની તૈયારીઓને તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ વખતે પલ્લી માટે અંદાજે ૫૦૦ થી વધુ પોલીસ અને સુરક્ષા જવાનોનો સ્ટાફ તૈનાત કરાશ., જ્યારે સીસીટીવી અને વીડિયો કેમેરાથી પણ સમગ્ર પલ્લી પર નજર રાખવામાં આવશે. સુપ્રસિધ્ધ વરદાયિની માતાની પલ્લીનું એટલુ મહાત્મ્ય છે કે, તેના દર્શનાર્થે માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશ-વિદેશમાંથી લોકો પલ્લીના મેળાનો મહિમા અનુભવવા આવે છે. પાંડવોએ ગુપ્ત વાસ સમયે પલ્લીની શરુઆત કરી હતી.

             એ સમયે બનાવેલ સોનાની પલ્લી હવે લાકડામાંથી બનાવવામાં આવે છે. દર વર્ષે આખી પલ્લી નવી બનાવવામાં આવે છે, જેમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ નથી થતો. વરદાયિની મંદિરની બનતી આ પલ્લી પણ સામાજીક સમરસતાનુ પ્રતિક છે. ગામના તમામ સમાજના લોકો આ પલ્લી બનાવા માટે કામ કરે છે. વહેલી સવારથી પલ્લી બનાવવાની શરૂઆત થાય છે જે રાતે પલ્લી તૈયાર થાય છે. ધાર્મિક મહત્ત્વની દ્રષ્ટિએ જોઇએ તો, સૃષ્ટિના પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સૃષ્ટિનો નાશ કરી બ્રહ્માજીને અતિ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આથી બ્રહ્માજી શ્રી વરદાયિની માતાજીના શરણે ગયા. શ્રી માતાજીએ પુત્રરૂપે શરણે આવેલા બ્રહ્માજીને સાંત્વના આપી. માતાજીએ દુર્મદ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનું સ્વયં નિર્માણ કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને અહીં કાયમ માટે નિવાસ કર્યો. આસો સુદ-૯ ના દિવસે ગામમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટે છે. ૩૩ દીવડાંઓની આરતી સાથે મોડી રાત્રે પલ્લી યાત્રાની શરૂઆત થાય છે. સવારે પલ્લી માતાજીના મંદિરની સામે બનાવેલા પલ્લી મંદિરમાં આવે છે. પલ્લી ઉપર લોકો ઘીનો અભિષેક કરે છે. હજારો કિલો ઘીનો અભિષેક વરદાયિની માતાજીની પલ્લીમાં ચઢાવાય છે. લોકો પલ્લીના દર્શન કરવા માટે રીતસરની પડાપડી કરતા હોય છે.

 

વરદાયિની માએ શ્રીરામને દિવ્ય શસ્ત્ર આપ્યુ હતુ.....

પાંડવોએ પલ્લીની પરંપરા શરૂ કરી હતી

અમદાવાદ, તા. ૫ :દ્વાપર યુગમાં કૌરવ સામે જુગારમાં હારી જતાં પાંડવોને બાર વર્ષ વનવાસ અને એક વર્ષ ગુપ્તવાસમાં જવાનું હતું. ધર્મરાજા સત્યવાદી હોવાથી તેઓ માટે ગુપ્તવાસ અત્યંત કઠિન હતો. ત્યારે પાંડવોએ ધૌમ્ય ઋષિના આદેશથી દધીચિ ઋષિના આશ્રમથી છ કોશ દૂર રૌપ્ય ક્ષેત્રમાં બિરાજમાન શ્રી વરદાયિની માતાજીના શરણે જઈ પૂજા આશીર્વાદ માગ્યા. માતાજીએ પ્રસન્ન થઈ ત્યાં આવેલા ખીજડાના ઝાડ ઉપરનાં પોતાનાં અસ્ત્રો-શસ્ત્રો સંતાડી, પોતે આપેલા વસ્ત્રો ધારણ કરી વિરાટનગર (હાલનું ધોળકા)માં ગુપ્તવાસ માટે જવાનું કહ્યું. મહાભારતના યુદ્ધમાં વિજય બાદ પાંડવો અને શ્રી કૃષ્ણ અહીં ચતુરંગી સેના સાથે આવ્યા હતા. માતાજીની સોનાની પલ્લી બનાવી, તેના ઉપર પાંચ કુંડાની સ્થાપના કરી. ત્યાર બાદ ગામમાં પલ્લી યાત્રા કાઢી હતી. ત્યારથી આ પલ્લી યાત્રાની પરંપરા આજ દિન સુધી અવિરતપણે ચાલુ છે. ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર પિતાની આજ્ઞાને પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયિની માતાજીની દર્શન કરી પૂજા અર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યું.

 

(9:32 pm IST)