Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ગુજરાતની અસ્મિતાને ઝાંખપ લગાવતા પડદા પાછળના ખેલાડીઓને શોધી કાઢવા ક્રાઈમ બ્રાંચ-આઈબી-સ્પેશ્યલ બ્રાંચો-એલઆઈબી મેદાને

પરપ્રાંતીયોના રક્ષણ માટે અર્ધલશ્કરી દળો પોલીસની મદદે અપાયાઃ તંત્ર આકરા મૂડમાં

રાજકોટ, તા. ૬ :. સાબરકાંઠામાં બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા બળાત્કારની ઘટનાના પગલે પગલે પરપ્રાંતીયો પર હુમલાના બનાવો અચાનક વધી જતા અને પરપ્રાંતીયો ડરના માર્યા ગુજરાત છોડીને પોતાના વતનમાં પરત ફરવા લાગતા આ ઘટનાને ગંભીર ગણવા સાથે ગુજરાતની અસ્મિતા પર ડાઘ લગાવે તેવી આ ઘટના સંદર્ભે રાજ્ય સરકારે તૂર્ત જ એકશનમાં આવી આ માટે અનુભવી પોલીસ અધિકારીઓની વિશિષ્ઠ ટીમો નિમવા સાથે એસઆરપીની ૧૬ જેટલી કંપનીઓ તૈનાત કરવા સાથે ૧૭૦થી વધુ તોફાનીઓની ધરપકડ અને સોશ્યલ મીડીયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મુકનાર ૭૦ શખ્સોના નામ ક્રાઈમ બ્રાંચની સાયબર સેલે ખોલાવ્યાનું સૂત્રો જણાવે છે.

હિંસક બનાવોના પગલે પગલે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે પણ એવી સ્પષ્ટતા કરવી પડી કે ઠાકોર સેનાના નામે નિર્દોષ લોકોને ભોગ બનાવવાનું કૃત્ય કોઈ રીતે વ્યાજબી નથી. આમ છતા બનાવો ન અટકતા અસરગ્રસ્ત જિલ્લાઓમાં સખત પેટ્રોલીંગ કરવા આવા અસામાજિક તત્વોને શોધી કડક હાથે નિર્ણય લેવાયો હતો. દરમિયાન મોડાસાના કાબોલ પાસેની પેપર મીલ ઉપર ટોળાએ હુમલો કરી પરપ્રાંતીયોને ભગાડી મુકવા પથ્થરમારો કરીને ભય ફેલાવવાના પ્રયાસ કરતા તત્વોની તાત્કાલીક શોધખોળ કરી ૧૩ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુપ્તચર બ્રાંચને સક્રિય કરી તોફાનો પાછળના પડદા પાછળના ખેલાડીઓને શોધી કાઢવા કામે લગાડવા ઉપરાંત રાજ્યભરની સ્પેશ્યલ બ્રાંચો એલઆઈબી શાખાઓને કામે લગાડતો તાકીદનો હુકમ થયો છે.(૨-૮)

(4:06 pm IST)