Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ઉમેદવારોની કરી ખરાબ હાલત : ભરતીમાં પ૦૦ કિ.મી. દૂર કેન્દ્રો ફાળવતા દેકારો

આગામી તા. ૧૩ થી ૧પ ઓકટોબર પરીક્ષા : ૯૦ હજાર ઉમેદવારો : આડેધડ ફાળવણી સામે પ્રચંડ રોષ

અમદાવાદ તા. ૬ : ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં વિદ્યુત સહાયક જુનીયર આસીસ્ટન્ટની કુલ ૨૭૦ જગ્યાઓ ભરવા માટે આગામી તા.૧૩ થી ૧૫ ઓકટોબર દરમિયાન પરીક્ષા લેવાવાની છે. આ પોસ્ટ માટે કુલ ૯૦ હજાર ઉમેદવારીએ અરજી કરી છે. ઉમેદવારોને તેમના વતનથી છેક ૨૦૦ થી ૫૦૦ કિ.મી.દૂર સુધીના પરીક્ષા કેન્દ્રો ફાળવી દેવાતા ઉમેદવારો મુંઝવણમાં મુકાઇ ગયા છે. અને પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે, ઉર્જા મંત્રી સુધી રજૂઆતો થઇ છે.

ઉત્તર ગુજરાતના ઉમેદવારોને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પરીક્ષા કેન્દ્રો અપાયા છે. તેમજ ત્યાંના ઉમેદવારોની પરીક્ષા ઉત્ત્।ર ગુજરાતમાં આવીને આપવાની ફરજ પડાઇ છે. મુસાફરીમાં બે દિવસનો સમય લાગે તેમ હોવાથી હજારો ઉમેદવારો લાચારીની સ્થિતિમાં મુકાઇ ગયા છે.

વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રોની આડેધડ ફાળવણી કરી દેતા ઉમેદવારોમાં ભારે રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. આ અંગે ઉમેદવારોના જણાવ્યા મુજબ આ પરીક્ષા સ્વખર્ચે આપવાની હોય છે. અને તેમાંય ૫૦૦ કિ.મી.દૂર સુધીના કેન્દ્રો ફાળવાતા અજાણી જગ્યાએ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું જ મુશ્કેલ બની રહેશે.મુસાફરી ખર્ચ, જમવાનો, ચા-પાણી નાસ્તાનો તેમજ હોટલમાં રોકાવાનું થતા ઉમેદવારને પાંચ હજાર રૂપિયા સુધીનો ખર્ચ વેઠવો પડશે. આ પરીક્ષા ઉમેદવારના જિલ્લામાં જ નજીકના કેન્દ્રમાં રાખવાની માંગણી ઉઠવા પામી છે. વીજ કંપનાના અધિકારીઓનો આવો નિર્ણય ટીકાપાત્ર બન્યો છે.

 

(11:58 am IST)