Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

મહુધા નજીક આવેલ મીનાવાડામાં દર્શને જતા દંપતીને અકસ્માત નડતા પત્નીનું કમકમાટીભર્યું મોત

મહુધા :મહુધા પાસે આવેલા મીનાવાડા ખાતે હજારો માઈભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષ અહીંયા આવતા ભક્તોને અકસ્માતનું ગ્રહણ લાગ્યું છે. બે દિવસ અગાઉ જ પગપાળા જતા ભક્તોને અકસ્માત થતા એકનું મોત નિપજ્યું હતુ ત્યારે આજે વધુ એક અકસ્માતના બનાવમાં મીનાવાડા ખાતે દર્શન કરવા માટે આવેલા દંપત્તિની બાઈક આડે વાંદરુ આડુ ઉતરતા બાઈક સ્લીપ ખાઈ જતાં પત્નીનું મોત થયું હતુ જ્યારે પતિને ઈજાઓ થવા પામી હતી. મળતી માહિતી અનુસાર મુળ અરવલ્લી જિલ્લાના બાયડના વતની અને છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્થાયી થયેલા નારણભાઈ વાઘેલા પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેઓના દિકરા સતિષ ઉર્ફે સાગરની બે માસ અગાઉ જ સગાઈ કરાઈ હતી. ગતરોજ નારણભાઈ પોતાના પત્ની વિમળાબેનને મોટર સાયકલ નં. જીજે-૦૧, એનડબલ્યુ-૩૬૪૭ પર બેસાડી ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ગામે દર્શન કરવા આવવા નીકળ્યા હતા. નારણભાઈની સાથે તેમનો દિકરો સતિષ ઉર્ફે સાગર પણ પોતાની ભાવિ પત્નીને લઈને એક્ટિવા પર અહીંંયા આવવા નીકળ્યો હતો. નારણભાઈ આગળ હતા અને તેમનો દિકરો પાછળ આવતો હતો. નારણભાઈ પોતાનું ઉપરોક્ત મોટર સાયકલ લઈને કઠલાલના બગડોલ પાસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક રોડ પર વાંદરું આવી જતાં મોટર સાયકલ ચાલક નારણભાઈએ કાબૂ ગૂમાવતા તેઓ દંપત્તિ રોડ પર પટકાયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ મારફતે વિમળાબેનને સારવાર અર્થ કઠલાલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે વિમળાબેનને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભ સતિષ ઉર્ફે સાગર વાઘેલાએ કઠલાલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:12 pm IST)