Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અમદાવાદ મનપાએ એસપીજી એકલોન નામના બિલ્ડીંગમાં ઓપન ટેરેસ પર બાંધેલ કેન્ટીન તોડી

બિલ્ડર દ્વારા ધાબા ઉપર કેન્ટીનનું ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયું હતું: સરદારનગરમાં ગ્રાઉન્ડ + ફર્સ્ટ ફ્લોરનું કોર્મશીયલ બાંધકામ તોડ્યું

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ ટીડીઓ ખાતા દ્વારા સરખેજ વોર્ડના મકરબા વિસ્તારમાં આવેલા એસપીજી એકલોન નામના બિલ્ડીંગમાં ઓપન ટેરેસ ઉપર બાંધેલા કેન્ટીન તોડી પડાઈ છે. બિલ્ડીંગના ટેરેસ ઉપર ફેબ્રિકેટેડ શેડ દૂર કરી 1200 ચો. ફૂટની ધાબાની જગ્યા ખુલ્લી કરાઈ હતી. બિલ્ડર દ્વારા ધાબા ઉપર કેન્ટીનનું ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયું હતું જે તોડી પાડવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરખેજ વોર્ડમાં ટોરેન્ટ ફાટક પાસે ટીપી સ્કીમ નંબર 84-એ (મકરબા)ના ફાઇનલ પ્લોટ નંબર 3/2માં એસપીજી એકલોન નામનું બિલ્ડીંગ બાંધવામાં આવ્યું હતું પછી આ બિલ્ડીંગના ટેરેસ ઉપર કેન્ટીન ગેરકાયદેસર બાંધી દેવાયું હતું. આ અંગે આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરી હતી જેમાં 1200 ચો.ફૂટનું ફેબ્રિકેટેડ બાંધકામ તોડી પાડયું હતું. આ કામ કરવા માટે 8 મજૂરો અને 1 ગેસ કટરની મદદથી શેડ તોડયો હતો.

 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તર ઝોન દ્વારા ગઈકાલે સરદારનગર વોર્ડમાં ગુલશન પાર્ટી પ્લોટની સામે બિન પરવાનગીનું ગ્રાઉન્ડ + ફર્સ્ટ ફ્લોરનું કોર્મશીયલ બાંધકામ તોડ્યું હતું. કુલ 2112 ચો.ફૂટ ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું.

(6:44 pm IST)