Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

અમદાવાદમાં શરૂ થયેલ ટ્રાફિક ઝુંબેશ કામચલાઉ ન હોવી જોઇઅે, લોકોને વ્‍યવસ્‍થિત પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા આપોઃ હાઇકોર્ટની ટકોર

ગાંધીનગરઃ હાઇકોર્ટમાં આજે શહેરના રસ્તાઓની ખરાબ હાલત, રસ્તાઓ પર રખડતા ઢોર અને રસ્તાઓ પર કરવામાં આવેલા દબાણો પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે ટ્રાફિક મામલે રાજ્ય સરકાર અને અન્ય વિભાગોને નોટિસ પાઠવી હતી. કોર્ટે સરકારને પાર્કિંગ પોલીસી અને ફરી સર્વે કરવાનો આદેશ કર્યો હતો.

હાઇકોર્ટે કહ્યું હતું કે શહેરમાંથી ટ્રાફિકની સમસ્યાને સાવ દૂર કરવામાં આવે. લોકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન પડવી જોઈએ. સાથે જ કોર્ટે પબ્લિક ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરોને ટકોર કરી હતી કે તેઓ રોડ પર નહીં પરંતુ બસ સ્ટેડન્ડી અંદર પોતાની બસો પાર્ક કરે જેનાથી રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે. આ મુદ્દે કોર્ટે મંગળવારે વચગાળાનો આદેશ કરી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોર્ટમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે ઢોર પકડવા જતાં લોકો અધિકારીઓ પર હુમલા કરે છે, આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે કાયદાકીય પગલાઓથી સમસ્યાનો નિકાલ લાવો. શહેરમાં તમામ આયોજનો 20 વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. જરૂર પડે તો જીડીસીઆરમાં પણ ફેરફાર કરવામાં આવે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે ટ્રાફિક ડ્રાઇવ કામચલાઉ ન હોવી જોઈએ.

બીજી તરફ આજે લારી અને ગલ્લાવાળાઓ આજે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા માટે હાઇકોર્ટમાં પ્રવેશતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. વકીલોના જણાવ્યા પ્રમાણે આ લોકોએ પાસ લઇને કોર્ટમાં એન્ટ્રી કરી હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. વકીલોએ એવો સવાલ પણ કર્યો હતો કે શું કોર્ટમાં રજુઆત કરવા આવવું એ ગુનો છે? નોંધનીય છે કે સોલા પોલીસે હાઇકોર્ટમાં પ્રવેશ કરી રહેલા લારી-ગલ્લાવાળાઓની અટકાયત કરીને તેમના પર કલમ 181 લગાવી હતી.

(6:42 pm IST)