Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલાઓનો દબદબો ૮ માંથી ૭ સમિતિઓમાં મહિલા ચેરપર્સન બની

ચેરપર્સનના પતિઓએ પરસ્પર અભિનંદન પાઠવ્યા, પુરૂષો માટે હવે અલગ ચેમ્બર્સની માંગ

રાજકોટ તા.૬: વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલાઓએ નવો ઇતિહાસ આલેખ્યો છે. કુલ ૮ સમિતિમાંથી ૭ સમિતિઓમાં મહિલાઓ ચેરપર્સન બની છે.

વડોદરા જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બાદ પંચાયતના વહીવટ માટે અલગ-અલગ આઠ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિ, આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, શિક્ષણ સમિતિ, અપિલ સમિતિ, સિંચાઇ સમિતિ, મહિલા અને બાળ વિકાસ સમિતિ, સામજિક ન્યાયસમિતિના ચેરમેન માટે ચુંટણી યોજાઇ હતી જેમાં સિંચાઇ સમિતિને બાદ કરતા તમામ સમિતિઓમાં મહિલા ચેરપર્સન ચૂંટાતા મહિલાઓનો દબદબો રહયો હતો.

વડોદરા જિલ્લા પંચાયતમાં ૭ સમિતિઓના ચેરપર્સન તરીકે મહિલાઓ ચૂંટાતા પતિદેવોએ પેંડા ખવડાવીને પરસ્પર અભિનંદન પાઠવ્યા હતા.વડોદરા જિલ્લા પંચાયતમાં હવે મોટાભાગનો વહીવટ મહિલાઓના હાથમાં આવ્યો છે. ત્યારે પુરૂષ સભ્યોને લોકસંપર્ક માટે અલાયદી ચેમ્બર ફાળવવા માંગ ઉઠી છે.

(4:19 pm IST)