Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

નવી આઇટી પહેલોનો શુભારંભ ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સ માટે મહત્વનું પગલું : આઇટી / આઇટીઇએસ ક્ષેત્ર માટે રોકાણકારોને સંપૂર્ણ પેપરલેસ – કોન્ટેક્ટલેસ -ફેસલેસ અને કેશલેસ સિસ્ટમ પૂરુ પાડનાર પ્રથમ રાજ્ય બનશે: આગામી પાંચ વર્ષમાં રાજ્ય સરકાર એક એવા ટેકનોલોજીકલ માળખાનું નિર્માણ કરશે, જે પાયાના સ્તરથી માંડીને શાસનના સર્વોચ્ચ સ્તર સુધીના નાગરિકોને જોડશે અને જાહેર સેવા પૂરી પાડશે : ઇ-ગવર્નન્સના સૌથી મહત્વના આધારસ્તંભોની સ્થાપના કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું

રાજ્યમાં ત્રણ નવી આઇટી પહેલો “Gujarat MyGov” પોર્ટલ, આઇટી/આઇટીઇએસ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ગાઇડલાઇન” અને “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ” પોર્ટલનો શુભારંભ કરાવતા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી

રાજકોટ તા.૬ :મહાત્મા મંદિર ખાતે આયોજિત “ડિજિટલ ઇન્ડિયા વીક” કાર્યક્રમ અંતર્ગત આજે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ત્રણ નવી આઇટી પહેલોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં “Gujarat MyGov” પોર્ટલ, “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ગાઇડલાઇન” અને “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ” પોર્ટલનો સમાવેશ થાય છે.

વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા “ડિજિટલ ઇન્ડિયા”નો પ્રારંભ દેશને શક્તિશાળી સમાજ અને શિક્ષિત અર્થતંત્રમાં પરિવર્તિત કરવાના હેતુથી કરવામાં આવ્યો હતો. ભારતે અનેક ડિજિટલ પ્રોજેક્ટ્સની પહેલ કરી છે, તેમજ મોટા પાયે પરિવર્તનકારી પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે. વિવિધ સેવાઓના લાભો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યા છે. પરિવર્તનની આ યાત્રામાં હંમેશા અગ્રેસર રહેલા ગુજરાતે પણ ડિજિટલ ક્ષેત્રમા અનેક પહેલ કરી છે અને ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના નવ સ્તંભો સાથે જોડાણ કરવા માટે નવી ટેક્નોલોજી ખુબ જ ઝડપથી અપનાવી છે.

મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ ૧૦૦થી વધુ ઇ-ગવર્નન્સની પહેલ કરવામાં આવી છે. જેના પરિણામે સિસ્ટમમાં પારદર્શકતા, કાર્યદક્ષતા અને જવાબદારીમાં વધારો થયો છે, તેનો લાભ કરોડો નાગરિકોને મળ્યો છે. ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકારે આરોગ્ય, ગૃહ, પરિવહન, આબકારી અને કરવેરા, પોલીસ, મહેસૂલ, અન્ન અને નાગરિક પુરવઠો, સામાજિક સુરક્ષા સહિતના વિવિધ વિભાગો માટે અનેક મહત્વપૂર્ણ ઇ-ગવર્નન્સ પહેલ કરી હતી, જેના પરિણામે રાજ્યના નાગરિકોને મફત અને ઝડપી સેવાઓ મળી રહી. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ડેટા સેન્ટર (જીએસડીસી), જીસ્વાન, ઇ-ગ્રામ સેન્ટર અને એટીવીટી સહિત ઇ-ગવર્નન્સના સૌથી મહત્વના આધારસ્તંભોની સ્થાપના કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું.

મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત સરકારે ટીપીડીએસ (ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ), ઇ-ધરા, સાથી, ઇ-મમતા, ઇ-ગ્રામ વિશ્વગ્રામ જેવા પ્રોજેક્ટોની પહેલ કરી છે. વહીવટી કાર્યોના ડિજિટાઇઝેશન માટે ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ વર્કફ્લો એન્ડ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ગુણોત્સવ, એટીવીટી, એચએમઆઇએસ જેવી વિવિધ પહેલોનો અમલ કર્યો છે, જે મજબૂત અને અસરકારક સુશાસન તરફ દોરી જાય છે.

સામાન્ય નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે શરૂ કરવામાં આવેલી સ્વાગત ઓનલાઇન પહેલ અંગે વિસ્તૃત માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યુ કે,  સામાન્ય નાગરિકોના પ્રશ્નોના નિષ્પક્ષ અને સમયસર નિરાકરણ માટે શરૂ કરવામાં આવેલા ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમથી એક કાર્યક્ષમ ફીડબેક ચેનલની સ્થાપના કરીને નાગરિકો અને સરકારી તંત્ર વચ્ચેના ઘર્ષણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાયો છે. રાજ્ય સરકારે "કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0" (વિધ્યા સમિક્ષા કેન્દ્ર) શરૂ કર્યું હતું, જેમાં વિવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ્સના અસરકારક અમલીકરણ માટે તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓના રીયલ ટાઇમ મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે એડવાન્સ ડેટા એનાલિટિક્સ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

મંત્રીશ્રી વાઘાણીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં રાજ્ય સરકાર ડિજિટલ વ્યવસ્થાઓને એક એવા ટેકનોલોજીકલ સુગ્રથિત માળખાનું નિર્માણ કરવા માટે તૈયાર કરશે, જે પાયાના સ્તરથી માંડીને શાસનના સર્વોચ્ચ સ્તર સુધીના તમામ નાગરિકોને જોડશે અને જાહેર સેવા પૂરી પાડશે. 

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારે ત્રણ નવી આઇટી પહેલોનો શુભારંભ કર્યો હતો જેમાં “Gujarat MyGov” પોર્ટલ લોન્ચ કરીને રાજ્ય સરકારે ડિજિટલ ગવર્નન્સ માટેનું મહત્વનુ પગલું ભર્યું છે. MyGov પોર્ટલ થકી સમયાંતરે નાગરિકો પાસેથી નીતિઓ ઘડવા માટે ઇનપુટ મેળવવામાં આવે છે.

તે ઉપરાંત “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ગાઇડલાઇન” પણ આજે લોન્ચ કરવામા આવી છે. આઇટી/આઇટીઇએસ ક્ષેત્રમાં ટીમ ગુજરાત અભૂતપૂર્વ કામગીરી કરી રહી છે, તેને આગળ ધપાવવા આઇટી/આઇટીઇએસ નીતિ (2022-27) માટે અમલીકરણ માર્ગદર્શિકા અને પ્રોત્સાહન વ્યવસ્થાપન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. હવે, આઇટી / આઇટીઇએસ ક્ષેત્ર માટે રોકાણકારોની સુવિધાની સંપૂર્ણ પેપરલેસ - કોન્ટેક્ટલેસ - ફેસલેસ અને કેશલેસ સિસ્ટમ તૈયાર કરનાર પ્રથમ રાજ્ય બનશે.

તે ઉપરાંત આજે “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ” પોર્ટલનો પણ શુભારંભ કરવામાં આવ્યો  હતો. જે અંતર્ગત આઇટી/આઇટીઇએસ ઉદ્યોગ માટે અરજી સબમિટ કરવી, દસ્તાવેજીકરણ, માહિતી વ્યવસ્થાપન અને પ્રોત્સાહન વિતરણ સહિતની તમામ બાબતો માટે ખુબ જ મદદરૂપ સાબિત થશે. આ પોર્ટલ કોન્ટેક્ટલેસ એપ્લિકેશન્સ, ડેટા વેરિફિકેશન, ઓનલાઇન ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ અને ઓટોમેટેડ ઇન્સેન્ટિવ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને સક્ષમ કરીને હ્યુમન ઇન્ટરફેસને ઘટાડશે અને ટર્ન-અરાઉન્ડ ટાઇમમાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે અને રાજ્ય સરકારને રિયલ ટાઇમ પ્રાદેશિક રોકાણ અને રોજગારીના સર્જન પર નજર રાખવામાં મદદ કરશે. આ નીતિ અને પોર્ટલ દ્વારા માત્ર ઉદ્યોગને સુવિધા આપવા ઉપરાંત રાજ્યના યુવાનોના કૌશલ્ય વિકાસ માટે ડીબીટી પ્લેટફોર્મ સાથે સંકલિત એક કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના સચિવ અખિલેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઈ-ગવર્નન્સ નિષ્ણાંતોની મદદથી નાગરિકોને પૂરી પાડવામાં આવતી જાહેર સેવાઓના વિતરણમાં સ્ટાર્ટઅપ, આઈટી સંસ્થાઓ અને અન્ય રાજ્ય સરકારોની સારી પહેલમાંથી શીખ મેળવીને વધુ સારી નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવાનું ભારત સરકારનું લક્ષ્ય છે. આગામી સમયમાં વિશ્વભરમાં ભારતની નોંધ નાગરિકો માટે માત્ર ડિજિટલ ગવર્નન્સ પૂરું પાડનાર તરીકે જ સીમિત નહીં રહે, પરંતુ વિકસિત દેશો પણ ભારતની ડિજિટલ સેવાઓનો તેમના નાગરિકો માટે લાભ મેળવશે. ડિજિટલ ભારત અંતર્ગત તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી દ્વારા દેશવાસીઓને સમર્પિત કરાયેલી નવી નવી પહેલ નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા પૂરી પાડી રહી છે. વધુમાં તેમણે ડિજિટલ ગવર્નન્સની સફળતા વિશે જણાવ્યું હતું કે mygov.in પહેલ લોકોના કલ્યાણ માટે લોકોને નીતિ ઘડતરમાં સામેલ કરતું અદભુત પ્લેટફોર્મ છે, જે ડિજિટલ ભારતના નિર્માણમાં લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે.

કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના અધિક સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે સ્વાગત હતું કે, ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતનુ અર્થતંત્ર સૌથી ઝડપથી વિકસી રહ્યુ છે. ભારત સરકારનું લક્ષ્ય અર્થતંત્રને ડિજિટલાઇઝ કરવાનું છે. આજે ભારતની ડિજિટલ ઇકોનોમી જીડીપીના ૮ ટકા છે, જે વર્ષ ૨૦૨૬ સુધીમાં ૧ ટ્રીલીયન ડૉલરની થઈ જશે. વડાપ્રધાનશ્રીના ભારતને પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનાવવાના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં ડિજિટલ ઇકોનોમી મહત્વનો ભાગ ભજવશે. આજે ભારતમાં ડિજિટલ મેન્યુફેક્ચરિંગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેમાં રાજ્યો, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સની બહુવિધ ભાગીદારી રહી છે.

આ આઈટી પહેલોના શુભારંભ કાર્યક્રમ બાદ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ડિજિટલ ઈન્ડિયા એક્ઝિબિશનની મુલાકાત લઈ આ એક્ઝિબિશનમાં પધારેલાં વિવિધ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારે શરુ કરેલી વિવિધ ડિજિટલ સેવાઓને કારણે સેવાઓમાં સરળીકરણ અને પારદર્શકતા આવી છે. એટલુ જ નહિ, રાજ્યના તમામ ડિજિટલ પહેલોમાં કેન્દ્ર સરકારનો સતત સહયોગ મળ્યો છે. આ પ્રસંગે આઇ.ટી નિષ્ણાંતો, સ્ટાર્ટપર્સ ડિજિટલ ક્ષેત્રે આગવુ યોગદાન આપનાર નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

(5:03 pm IST)