Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સરકારના પરિપત્રને પગલે કરદાતાઓને ફાયદો થશે

વેપારીઓ બાકી રકમના ૧૦ ટકા ચૂકવીને વેરા સમાધાન યોજનાનો લાભ લઈ શકશે

૩૧ જુલાઇ સુધીમાં ૧૦ ટકા, બાકીની રકમ ૩૧ ઓગસ્ટ સુધી ચૂકવવાની રહેશે

અમદાવાદ, તા.૬: રાજય સરકારે 'વેરા સમાધાન યોજના' હેઠળ ભરવાપાત્ર રકમ કોઈ કારણસર જે વેપારીઓ- કરદાતાઓ રકમ ભરી ન શકયા હોય તેમને બાકી રહેલી રકમના ૧૦ ટકા રકમ તા. ૩૧ જુલાઈ સુધીમાં ભરે તેમને આ યોજનાના લાભ મળશે. આમ, આ યોજના હેઠળ વેપારી બાકી ચૂકવવાની રકમના ૧૦ ટકા રકમ ભરવાની રહેશે અને બાકીની રકમ ૧.૫ ટકા વ્યાજ સાથે તા. ૩૧ ઓગસ્ટ સુધીમાં ચૂકવવાની રહેશે. રાજય સરકારના આ નિર્ણય આવકાર્ય છે અને તેના લીધે કરદાતાઓને ફાયદો થશે. રાજય સરકારના નાણાં વિભાગ દ્વારા આ અંગેનો સરકયુલર બહાર પાડવામાં આવ્યો છે. કોરોનાનો રોગચાળો વકરવાને પગલે લોકડાઉન અમલી બનતાં વેપાર- ધંધાને ભારે ફટકો પડયો હતો અને તેના કારણે વેપારીઓ વેરા સમાધાન યોજના હેઠળ ચૂકવવાપાત્ર રકમના બાકી હપ્તા ભરી શકયા નહોતા.

ગુજરાત સહિત દેશમાં ૨૦૧૭માં GSTનો અમલ કરવામાં આવ્યો તે પહેલાં VAT સહિતના કાયદા અંતર્ગત જૂની ડીમાન્ડ, એસેસમેન્ટ ઓર્ડર, વિવાદોનો ઝડપી નિકાલ કરવા, સરકારના બાકી લેણાંની રીકવરી કરવા, વેપારીઓને કાનૂની ઝંઝટમાંથી મુકિત આપવા 'વેરા સમાધાન યોજના' અમલમાં મૂકાઈ છે. આ યોજના અંતર્ગત ભરવાપાત્ર રકમના ૧૦ ટકા રકમ ભરીને બાકી રહેલી રકમ એકસરખા ૧૧ હપ્તામાં ભરવાની રહેતી હતી. આ યોજના હેઠળ વેપારીઓએ ૧૦ ટકા રકમ ભર્યા પછી લોકડાઉન સહિતના કારણોસર બાકીના હપ્તા ભરી શકયા નહોતા તે વેપારીઓ આ યોજનાના લાભથી વંચિત ન રહે તે હેતુસર બાકી હપ્તાની રકમ ભરવામાં સરળતા કરી આપવા ગુજરાત સેલ્સ ટેકસ બાર એસોસીએશનની રજુઆતને ધ્યાનમાં લઈને સરકારે બાકી રકમના ૧૦ ટકા તા. ૩૧ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં અને બાકી રકમ તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભરીને સ્કીમનો લાભ આપવાનું નક્કી કર્યું છે. જોેકે, ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ના વર્ષ માટેની આકારણી કરાયા પછી જારી કરાયેલ ઓર્ડરનો પણ સમાવેશ કરવાની રજુઆતનો સ્વીકાર કરવામાં આવ્યો હોત તો વધુ વેપારીઓને આ યોજનાનો લાભ મળી શકયો હોત.

(10:32 am IST)