Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સીટીએમમાં એક પરિવારના ૧૦ સભ્ય કોરોના પોઝિટિવ

સમગ્ર ફ્લેટને ક્વોરેન્ટાઈન કરાયો : કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે

અમદાવાદ, તા. ૦૬ : ગુજરાતમાં કોરોના વાઈરસનો પ્રકોપ દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યાં છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શહેરના CTM વિસ્તારના એક ફ્લેટમાંથી ૧૦ કોરોના પોઝિટિવ કેસ આવતા અહીં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ-વડોદરા હાઈવે પર CTM વિસ્તારમાં આવેલા ન્યૂ વૈકુંઠ ફ્લેટમાં એક પરિવારના ૧૦ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે ફ્લેટને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે મ્યૂન્સિપલ તંત્ર દ્વારા ફ્લેટમાં નોટિસ લગાવી ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

         AMC દ્વારા જણાવ્યા પ્રમાણે, હાલ શહેરમાં ૯૯ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમા છે. જેમાં બીજા નવા ૧૧ વિસ્તારોને પણ જોડવામાં આવ્યા છે. માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં AMCના હેલ્થ વિભાગ દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ કોરોનાના લક્ષણો જણાશે, તો તેમના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૨૫ નવા કોરોના પોઝિટિવ કેસો નોધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન ૧૮ મરણ નોંધાયા છે. સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને ૩૬,૧૨૩ પર પહોંચ્ચ્યો છે. જ્યારે અત્યાર સુધી કુલ ૧૯૪૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો અમદાવાદની વાત કરીએ તો, શહેરમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો વધીને ૨૧,૮૯૨ પર પહોંચ્ચી ગયો છે. જ્યારે અત્યાર સુધી ૧૪૮૩ લોકોને જીવલેણ વાઈરસ ભરખી ગયો છે.

(8:15 pm IST)