Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વેદ વ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવતાદિ ગ્રન્થોની રચના કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. : શા.માધવપ્રિયદાસજી સ્વામી

SGVP ગુરુકુલ ખાતે ઓન લાઇન ઉજવાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ

    અમદાવાદ તા.૬ આ વરસે મહામારીના પ્રકોપથી લોકડાઉનને કારણે ગુરુુપૂર્ણિમા મહોત્સવ બંધ રાખેલ છે ત્યારે  SGVP ગુરુકુલમાં, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, હરિભકતોની હાજરી વિના ઓન-લાઇન ગુરુુપૂર્ણિમા મહોત્સવ  ઉજવાયો હતો.

    ચારેય સદગુરુ સંતો પધારતા, સંતોએ તથા રામપ્રિચજીએ વેદગાન સાથે પૂર્ણ કુંભથી સ્વાગત કર્યુ હતું.

    ત્યાર બાદ સંગીત વૃન્દમાં  ઘનશ્યામ ભગત, કૌશિક, કુંજવિહારીદાસજી સ્વામી, દર્શનપ્રિયદાસજી સ્વામી વગેરે કલાકારોએ ગુરુ મહિમાનું કિર્તન ગાન કર્યું હતું

    ત્યાર બાદ પૂ.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ ભગવાનની પ્રસાદીભૂત પાદુકા, વ્યાસ ભગવાન રચિત ચારેય વેદ અને ગુરુ પરંપરામાં શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાજી સ્વામી અને પૂજ્ય જોગી સ્વામીની ચિત્ર પ્રતિમાને ચંદનની અર્ચા કરી ગુરુ પૂજન કર્યુ હતું.

    પ્રાસંગિક પ્રવચન કરતા માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુના ગુરુતો ભગવાન છે. ખરેખર તો ગુરુપૂર્ણિમાં એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. સમગ્ર દેશમાં અનેક પર્વો ઉજવાય છે. તેમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે.

વ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવત, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને વિશ્વના ગુરુ સ્થાને મૂકી છે.

    એવા વેદ વ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. આજનો દિવસ એ ઋણ સ્વીકારનો અને કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ છે.

    સદગુરુનો મહિમા સમજાવતા માધવપ્રિયદાસજી સ્વામીજીએ જણાવ્યું હતું કે સદગુરુ મળે એતો  મહત્વનું છે અેનો નાદ ઝીલાય  એ ખૂબજ મહત્વનું છે.   ખરેખર  એ નાદ નથી પણ અમૃતનો વરસાદ છે.એ નાદ મુમુક્ષુના જીવનને ધીરે ધીરે પ્રકાશે છે.

    પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આજે ગુરુપૂર્ણિમાનું પનોતુ પર્વ છે. ગુરુના ગુરુ તો ભગવાન નારાયણ છે. એવા નારાયણ ભગવાનનું જે ભજન કરે છે તે મહાસુખિયો થઇ જાય છે.ગુરુનો મહિમા સમજાવતા સ્વામીજીએ જણાવેલ કે ભગવાનમાં જોડે તે સંત અને પોતાનામાં જોડે એ અસંત.

    આ પ્રસંગે પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. ત્યાર બાદ SGVP ગુરુકુલના કોઠારી ધર્મનંદનદાસજી સ્વામી, ભકતવત્સલદાસજી સ્વામી, યજ્ઞવલ્લભદાસજી સ્વામી, મેમનગર ગુરુકુલથી વિશ્વવિહારીદાસજી સ્વામી, કોઠારી મુકતસ્વરુપદાસજી સ્વામી તેમજ રીબડા ગુરુકુલથી ધર્મવત્સલદાસજી સ્વામી, હરિનંદનદાસજી સ્વામી વગેરે સંતોએ ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી  સ્વામીને હાર પહેરાવી પૂજન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભકિતવેદાંત સ્વામીએ સંભાળ્યું હતું.

(1:23 pm IST)