Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમિત જેઠવા હત્યાકાંડ : દિનુભાઇ સોલંકી અને શિવાને શરતી જામીન : કોરોના ટેસ્ટ ઉપર સમગ્ર આધાર

ગુજરાત હાઇકોર્ટે બહેનનું અવસાન થતા પૂર્વ સાંસદને ૪ દિ' અને ભત્રીજાને ર દી'ના જામીન આપ્યા

અમદાવાદ, તા. ૬ : ગુજરાત હાઇકોર્ટે આરટીઆઇ કાર્યકર્તા અમિત જેઠવા હત્યા પ્રકરણમાં આજીવન કારાવાસ ભોગવી રહેલ આરોપી અને પૂર્વ સાંસદ દીનુભાઇ બોધાભાઇ સોલંકી અને તેના ભત્રીજા તથા સહ આરોપી શીવા સોલંકીને ચાર દિવસના સશર્ત વચગાળાના જામીન આપ્યા છે.

બેન્ચે જણાવેલ કે વચગાળાના જામીન કોરોના ટેસ્ટના પરિણામને આધીન રહેશે. જેલ તંત્રને કોરોના ટેસ્ટ માટે કહેવાયું છે. જો કોરોના ટેસ્ટ નેગેટીવ આવશે તો જામીન અપાશે. આરોપીઓએ ૯ જુલાઇ સાંજ સુધીમાં અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ પહોંચવાનું રહેશે.

આરોપી દીનુભાઇ સોલંકી એ પોતાની મોટી બહેનનું નિધન થતા ૧પ દિવસના જામીન માંગેલ. અરજીમાં જણાવેલ કે આરોપીના ૭૦ વર્ષીય બહેનનું ગત ર૬ જુને અવસાન થયેલ.તેમના માતા-પિતા નથી. આરોપી સૌથી મોટા છે. જેથી અવસાન બાદની ક્રિયામાં તેની હાજરી જરૂરી છે.

જામીનની શરતો મુજબ આરોપીએ ૬ અને ૯ જુલાઇએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવવી પડશે. પોલીસે પીડીત પરિવારને પુરતુ પ્રોટેકશન આપવાનું રહેશે અને આ દરમિયાન આરોપીના વ્યવહાર ઉપર નજર રાખવાની રહેશે. ભત્રીજા શીવાએ પણ તે જ આધાર ઉપર જામીન માંગેલ.

શીવાને બે દિવસના શરતી જામીન અપાયા છે. જે અંતર્ગત આજે તેને છોડવામાં  આવશે અને કાલે તા. ૭ ના રોજ જુનાગઢ  જેલમાં સરેન્ડર કરવું પડશે. ઉપરાંત સોમનાથ જીલ્લાના કડોદરા પહોંચતા અનેે ગામ છોડતા પહેલા પણ નજીકના પોલીસ સ્ટેશને હાજરી આપાવી  પડશે.

(1:07 pm IST)