Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મહિલા પીએસઆઇના બનેવીને શોધવા એસઓજી ટીમો સૌરાષ્ટ્ર ધમરોળી રહી છે

કરોડોની અપ્રમાણસર મિલ્કત અને લાખોની લાંચની ઘટનાઓ ગુજરાતની તપાસના મૂળીયા સૌરાષ્ટ્રમાં નિકળ્યાઃ ફરીયાદી કહે છે પીએસઆઇ શ્વેતા જાડેજાને લાંચના ૩પ લાખ આપ્યા, ચીઠ્ઠીમાં ર૦ લાખનો ઉલ્લેખઃ ૧પ લાખની લાંચ ગઇ કયાં? : મદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. હર્ષદ પટેલ ટીમ ઉંધા માથે : વડોદરાના ઇજનેર સામે ૬૪.૯૧ ટકા આવક કરતા વધુ અપ્રમાણસરની મિલ્કતની એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળની તપાસમાં ધડાકોઃ રાજકોટમાં પણ બે પ્લોટ હોવાની વિગતો ખુલ્લી

રાજકોટ, તા., ૬: લાંચ રૂશ્વતના બે ખુબ જ ચકચારી બનાવો આમ તો ગુજરાત (અમદાવાદ) અને (વડોદરા)ના છે પરંતુ આ બંન્ને જેમાં એક મામલો કરોડોનો અને બીજો મામલો લાખો રૂપીયાનો છે તેના મૂળ  સૌરાષ્ટ્ર સુધી નિકળતા અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમો અને બીજા મામલામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમો સૌરાષ્ટ્રના જામજોધપુર-કેશોદ અને રાજકોટ સહીતના  શહેરોમાં તપાસ કરી રહયાનું બહાર આવ્યું છે.

અત્રે યાદ રહે કે જીએસપી ક્રોપના મેનેજીંગ ડાયરેકટર કેનલ શાહને તેઓની સામેના બબ્બે બળાત્કારના ગુન્હાના આરોપમાં અમદાવાદના મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજાએ માંગેલી ર૦ લાખની કહેવાતી  લાંચ ફરીયાદીએ પોતાના સ્ટાફના જાનકી નામની મહિલા મારફત જામજોધપુર મોકલી હતી. મહિલા પીએસઆઇના બનેવીએ આ રકમ ઉપલેટાથી ચુકવી હોવાના પુરાવા સીસીટીવી આધારે મળતા મહિલા પીએસઆઇના બનેવી દેવેન્દ્રભાઇ ઓેડેદરાને શોધવા સૌરાષ્ટ્ર તરફ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલે ટીમો મોકલવા સાથે કેશોદમાં પણ ટીમો મોકલી હતી. જો કે કેશોદના નિવાસસ્થાને અલીગઢીયા લટકતા હતા.

ફરીયાદીએ ૩૫ લાખની રકમ મોકલ્યાનું નિવેદન આપ્યું છે. જો કે ચીઠ્ઠીમાં ર૦ લાખ જ હોવાનો ઉલ્લેખ હોવાથી બાકીના ૧પ લાખ કયાં ગયા? તે બાબતે પણ તપાસ ચાલી રહયાનું ડીસીપી ડો.હર્ષદ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

વડોદરાના સિંચાઇ વિભાગના નાયબ કાર્યલપાલક ઇજનેર કચેરીના અધિક મદદનીશ ઇજનેર ગીરીશ જેન્તીલાલ શાહ દ્વારા ૩ વર્ષ અગાઉ નર્મદા જીલ્લાના કુકડથી ખાડીયાકુવા ગામ સુધીના રોડ સાઇડ સોલ્ડરીંગનું કામ કરનાર કોન્ટ્રાકટર પાસે માંગેલ ૮૬ હજારની લાંચના ચકચારી મામલાના તાર પણ રાજકોટ સુધી નિકળ્યા છે. આરોપીના પત્ની અને પુત્રના નામે રાજકોટ ખાતે બે પ્લોટ હોવાનું ખુલ્યું છે. અત્રે યાદ રહે કે ગીરીશ શાહ પાસે એસીબી દ્વારા અપ્રમાણસરની મિલ્કતની તપાસમાં એક કરોડ ર૬ લાખથી વધુ રકમની અર્થાત આવક કરતા ૬૪.૯૧ ટકા વધુ રકમના સ્ત્રોત મળી આવવા સાથે સંખ્યાબંધ પ્લોટ જમીનો જેવી મિલ્કતો એસીબી વડા કેશવકુમારના સીધા માર્ગદર્શન હેઠળની  ટીમે શોધી કાઢયા હતા. આમ ગુજરાતના બે મહત્વના બનાવોના મુળીયા સૌરાષ્ટ્ર સુધી નિકળ્યા છે.

(1:04 pm IST)