Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આઇપીએસ બદલી-બઢતી અંગે ગાંધીનગર અનિર્ણીત? જાણકારો પણ ફાંફા મારે છે

અમદાવાદ રેન્જ વડાની રેગ્યુલર જગ્યા ભરવાના બદલે ચાર્જ અપાતા, જુદા જ મેસેજો જઇ રહયા છે : કેન્દ્રથી પરત આવેલ આઇપીએસ રાજુ ભાર્ગવ-પ્રફુલ રોશન હજુ પોસ્ટીંગ વિહોણા ચાલુ માસે નિવૃત : થતા મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને વધુ એક એક્ષટેન્શનની ચર્ચાએ ઘણા અધિકારીઓ દ્વિધામાં મુકાયા છે

રાજકોટ, તા., ૬: રાજય પોલીસ તંત્રમાં ટોપ ટુ બોટમ આઇપીએસ અધિકારીઓની બદલી-બઢતીની ચર્ચાઓ વચ્ચે ગૃહ મંત્રાલય ચોક્કસ કારણોથી બઢતી-બદલી ત્વરીત કરવાના જાણે મુડમાં ન હોય તેમ અમદાવાદના રેન્જ વડાની જગ્યાનો ચાર્જ અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર (ટ્રાફીક) જે.આર.મોથલીયાને સુપ્રત કરવા સાથે કેન્દ્રમાંથી લાંબા સમય થયા પરત આવેલ આઇપીએસ રાજુ ભાર્ગવ અને પ્રફુલ રોશનને પોસ્ટીંગ વગર રખાતા ગાંધીનગર શું કરવા માંગે છે? તે બાબત ેજાણકારોને પણ  અંધારામાં ફાંફા મારતા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

દરમિયાન ચાલુ માસના અંતે નિવૃત થનારા મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને વધુ એક એક્ષટેન્શન મળવાની ચર્ચાએ આઇપીએસ અધિકારીઓ દ્વિધામાં પડયા છે. અત્રે યાદ રહે કે ગાંધીનગર આઇપીએસ અને આઇએએસ કક્ષાએ જે ઓર્ડરો અર્થાત પોસ્ટીંગ આપવા માંગે છે. તેમાં ફકત સ્થાનીક  સ્વરાજયની જ ચુંટણીઓ નહિ, પેટા ચુંટણીઓ અને આગામી વિધાનસભાની ચુંટણીઓને કેન્દ્રમાં રાખી અધિકારીઓના સંબંધક જીલ્લા સાથે તાલમેલ, પ્રભાવ વિગેરે બાબતો ચકાસી રહી છે.

સજાના સ્થાન તરીકે જેની ગણત્રી પોલીસ તંત્રમાં થાય છે તેવી ગુપ્તચર તંત્રની મહત્વની જગ્યાઓ રાજકીય રીતે ચુંટણીઓ સંદર્ભે ખુબ જ મહત્વની હોય છે. આ સ્થાન પર લાંબી વિચારણા અંતે ૩ નામો નક્કી થયા બાદ તે ૩ નામો વિશ્વાસની દ્રષ્ટિએ ટોચ પર છે. પરંતુ રાજય સરકારને આ નામો અંગે પણ દ્વિધા છે. એક તબક્કે કોઇ સિનીયર મોસ્ટ અધિકારીને સીમ્બોલીક પોસ્ટીંગ આપી તેમની અંડરમાં પ્રમાણમાં જુનીયર અધિકારી  મુકવાની સંંભાવના પણ ચકાચાઇ રહી છે.

દરમિયાન આઇપીએસ અધિકારીઓની બઢતી-બદલી માટે મહત્વના પોસ્ટીંગ અંગે  મુખ્યમંત્રી કાર્યાલયના પ્રિન્સીપાલ ચીફ સેક્રેટરી કૈલાસનાથનજી (કે.કે.) તથા ગૃહમંત્રી વચ્ચેની બેઠકો મુલત્વી રહયા બાદ કૈલાસનાથનજીએ આઇએએસ અધિકારીઓની બદલીઓની ફાઇલો હાથામાં લીધાની જોરદાર ચર્ચાઓ  ચાલે છે.

(1:03 pm IST)