Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ભારે વરસાદ બાદ કોઝવે પર દાદી-પૌત્રી તણાતા શોધખોળ

પૌત્રી મળી આવી પરંતુ દાદી હજુ લાપતા : ઓરસંગ નદી બંનેે કાંઠે થતા નર્મદા ખળખળ વહેતી થઈ છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ૪ દિવસથી સતત વરસાદ

અમદાવાદ, તા.૬  : છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે અહીંની સૌથી મોટી નદી એવી ઓરસંગ નદી વધુ એક વખત બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે નર્મદા નદીમાં પાણીનો જથ્થો વધતાં તે પુનઃ ખળખળ વહેતી જોવા મળી હતી. બીજીબાજુ, પાવી જેતપુરના કહરિપુરા-કલારાણી વચ્ચે આવેલા કોઝવે પરથી પસાર થતા દાદી અને પૌત્રી તણાયા હતા. જેમાં પૌત્રીને બચાવી લેવામાં આવી  હતી પરંતુ ૫૦ વર્ષીય કનુડીબેન નાયકા હજુ લાપતા હોઇ સ્થાનિક ફાયરવિભાગ અને સત્તાધીશો તરવૈયાઓની મદદથી તેમને શોધવાના ભારે પ્રયાસો કરી રહ્યા છે. છોટા ઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે ઓરસંગ નદી ફરી એકવાર બે કાંઠે વહી હતી. પાણીનો વેગ વધી જતા ઓરસંગ વધુ પ્રચંડ થઈને વહી રહી છે. જોજવા પાસે ઓરસંગ પરનો આડબંધ વધુ એક વખત ઓવરફ્લો થયો છે. ૨૧૭ ફૂટની સપાટીએ જોજવા આડબંધ પહોંચી ગયો હતો. જોજવા આડબંધમાં પાણીની આવક વધતા વઢવાણા તળાવમાં પાણીની આવક શરૂ થઈ છે. તો, ઓરસંગ નદી પણ બે કાંઠે થતા નર્મદા નદી પુનઃ ખળખળ વહેતી થઇ છે. ઉપરવાસના વરસાદથી ઓરસંગનું પાણી આવતાં નર્મદા નદી જાણે ઓરીજનલ સ્વરૂપમાં જણાતી હતી. ઓરસંગ નદી ચોમાસાનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં સાત વખત પાણી આવી ગયું હોઇ સમગ્ર પંથકમાં ભારે ખુશીની લાગણી છવાઇ છે. છોટાઉદેપુરમાં અત્યાર સુધી ૨૨૪ મીમી વરસાદ પડી ગયો છે. છતાં પણ નગરપાલિકા હજુ એક દિવસના આંતરે પાણી આપે છે, તેને લઇને સ્થાનિક ગ્રામજનોએ સત્તાધીશો પર આક્રોશ ઠાલવ્યો હતો.

(9:34 pm IST)