Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

હજુ સુધીમાં ચાર લાખથી વધુ શ્રમિકોને વતન રવાના કરાયા

શ્રમિકો-પરપ્રાંતિયો માટે વધુ ૩૦ ટ્રેનો દોડાવાશે : સૌથી વધુ ટ્રેનો ગુજરાતે ચલાવી છે : ધીરજ રાખો, દરેકને તેમનાં વતન પહોંચાડીશું : સરકાર તરફથી હૈયાધારણ

અમદાવાદ,તા.૬ :       પરપ્રાંતીયોને તેમના વતન મોકલવા માટે ગુજરાત સરકાર દ્વારા આજે વધુ અસરકારક પ્રયાસો હાથ ધરાયા હતા.મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રહેતા પરપ્રાંતીય લોકો પોતાના રાજ્યમાં જવા માગે છે તેમને ઝડપથી યોજનાબદ્ધ રીતે પહોંચાડવા અંગે તમામ કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી છે. તમામ મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે. ગુજરાતમાંથી અત્યારસુધીમાં ૩૯ ટ્રેનો યુપી, બિહાર, ઓડિશા, ઝારખંડ સહિતના રાજ્યોમાં દોડાવાઈ છે. આ ટ્રેનો થકી કુલ ૪૬ હજાર શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આજે પણ બીજી ૩૦ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાંથી ૧૮ ટ્રેનો યુપી, ૭ ટ્રેનો બિહાર, ૩ ઓડિશા અને ૨ ટ્રેન ઝારખંડ જશે. આ તમામ ટ્રેનો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી રવાના થશે. આમ અત્યારસુધીમાં રાજ્યમાંથી ટ્રેન અને અન્ય વાહનવ્યવહારથી ચાર લાખથી વધુ શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. ગાંધીનગરથી ૬ બસમાં શ્રમિકોને તમામ મેડિકલ સ્ક્રિનિંગ બાદ વતન મોકલવામાં આવ્યા છે.

            અશ્વિની કુમારે વધુમાં જણાવ્યું કે, રાજયમાંથી આજે ૮૨૮૦૦ જેટલા મજૂરો પોતાના વતન જવા માટે રવાના કરવામાં આવ્યા છે. ગઈકાલ સુધીમાં સવા ત્રણ લાખ લોકોને પોતાના વતનમાં જવા માટે વ્યવસ્થા કરાઈ છે. જ્યારે આજના દિવસ સુધીમાં પોણા ચારથી ચાર લાખ સુધી લોકોને ઘરે પહોંચાડવાની તજવીજ હાથ ધરાઇ છે. રાજ્ય સરકાર તમામને પહોંચાડવાની વ્યવ્સ્થા થઈ જશે, કોઈએ અધીરાઈ કરવાની જરૂર નથી. પરપ્રાંતિયોને ઝડપથી વતન પહોંચાડવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યપ્રધાને પણ તમામ જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી છે. આજે વધુ ૩૦ ટ્રેનો પરપ્રાંતીયોને વતન મોકલાવવા માટે દોડાવવામાં આવી છે, જે વતન પહોંચાડશે.

           સરકારે ૪૬૦૦૦ શ્રમિકોને તેમના વતને પહોંચતા કર્યા છે. અત્યારસુધીમાં રાજયમાંથી જુદી જુદી ૩૯ ટ્રેન મારફતે પરપ્રાંતીયોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. ગોરખપુર, બનારસ, આગરા, જેવા શહેરોમાં આ લોકોને મોકલવાની હજુ વ્યવસ્થા થશે. યોજનાબદ્ધ રીતે શ્રમિકોને ઘરે પહોંચાડાવાનું કામ થઈ રહ્યું છે, આ માટે કોઈએ રોડ પર આવવું નહીં. અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું કે અન્ય રાજ્યોના આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. આ સરકારની જવાબદારી છે, કોને મોકલવા, ક્યારે મોકલવા જ્યારે આ તમામ કાર્ય યોજનાબદ્ધ રીતે થઈ રહ્યું છે. સૌથી વધુ ટ્રેન ગુજરાતે ચલાવી છે. ધીરજ રાખો, દરેકને તેમનાં વતન પહોંચાડીશું. સુરત, અમદાવાદ, રાજકોટમાંથી વધુ ૩૦ ટ્રેન આજે રવાના કરાઇ છે. સુરતમાં રહેતા રત્નકલાકારો, સૌરાષ્ટ્રના તથા અન્ય જિલ્લાના કારીગરોને પોતાના વતનમાં જવા માટે છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે સુરતથી અમરેલી, બોટાદ, ભાવનગર, જેવા બીજા જિલ્લામાં જવા માટે એસટી બસનો પણ ઉપયોગ કરવામાં આવશે.

(8:50 pm IST)