Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

અમદાવાદમાં ૧૨૮ પોલીસ કર્મીઓ કોરોનાના સકંજામાં

વધુ બે પોલીસ કર્મી કોરોનાના સકંજામાં સપડાયા : ગોમતીપુરના પીએસઆઇ બીબી સિંઘ કોરોનાગ્રસ્ત આવ્યા કુલ ૪૦થી વધુ પોલીસ કર્મચારીઓને રજા પણ અપાઇ છે

અમદાવાદ,તા.૬ :      અમદાવાદ શહેરમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતાં વધુ પોલીસ કર્મચારીઓ કોરોનાના સંકજામાં સપડાયા છે. ગોમતીપુર પોલીસમથકના પીએસઆઇ બી.બી.સિંઘ સહિતના બે કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બનતાં તેમને એસવીપી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં કોરોના સકંજામાં સપડાયેલા પોલીસ કર્મચારીઓનો આંક ૧૨૮નો થયો છે. જો કે, ૪૦ જેટલા પોલીસ કર્મચારીઓ કોરોનામુકત સાજા થઇ જતાં તેઓને રજા પણ આપી દેવાઇ છે. સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના વાયરસની ભયંકર પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં પ્રવર્તી રહી છે. ખાસ કરીને કોટ વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ અને ચિંતાજનક બની રહી છે. જેમાં હવે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા તબીબો, નર્સ, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ, એસઆરપી જવાનો પણ કોરોનાના સકંજામાં સપડાઇ રહ્યા છે.

             જેમાં અમદાવાદમાં આજે વધુ બે પોલીસ કર્મચારીઓ કોરાનાના સંકજામાં સપડાયા છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.બી.સિંઘ સહિત બે પોલીસ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેર પોલીસ તંત્રમાં ફરી એકવાર ચકચાર મચી ગઇ હતી. આ બંને કોરોનાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ  કોના કોના સંપર્કમાં આવ્યા તેની હિસ્ટ્રી જાણવાનો પણ તંત્રએ પ્રયાસ શરૂ કર્યો છે અને તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં કુલ ૧૨૮ પોલીસ કર્મચારીઓ કોરોનાના સકંજામાં સપડાઇ ચૂકયા છે. જો કે, ૪૦ જેટલા પોલીસકર્મી કોરોનામુકત બનતાં તેઓને રજા પણ આપી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પોલીસ કર્મચારીઓ લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા સહિતની બહુ પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યા છે. પોલીસનો ભૂખ્યાને ભોજન અને જરૂરિયાતમંદોની સેવાનો એક માનવીય અભિગમ ચહેરો પણ કોરોનાની મહામારી સામેની લડાઇમાં સામે આવ્યો છે ત્યારે આવા કોરોના વોરિયર્સ પોલીસકર્મી કોરોના સંક્રમણમાં સપડાય તેને લઇ નાગરિકોમાં પણ એક સ્વાભાવિક ચિંતા જોવા મળી રહી છે.

(8:44 pm IST)