Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

નર્મદા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી અધિકારીઓની જગ્યા ખાલી : કારકુનો ના ભરોસે ચાલતી કચેરીમાં યોજનાઓનું સુરસુરીયું...?!

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં ૨૦૧૭ ના વર્ષ થી વર્ગ-૧ અને વર્ગ-૨ ની જગ્યાઓ ખાલી હોવાથી સરકારી યોજનાઓ અભરાઈએ :જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી પાસે વડોદરા,નર્મદા અને છોટાઉદેપુર આમ ત્રણ જીલ્લા નો ચાર્જ હોવાથી જાયે તો જાયે કહા જેવો ઘાટ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લો ભરૂચથી અલગ પડ્યાને ૨૦ વર્ષ કરતા વધુ સમય થવા છતાં જીલ્લામાં અમુક કચેરીઓ નું અસ્તિત્વ જ ન હોવાથી લોકો ને હજુ ભરૂચ સુધી લાંબા થવું પડે છે જ્યારે કેટલીક કચેરીઓ ઇન્ચાર્જના ભરોસે ચાલતી હોવાથી જરૂરી કામો સમયસર ન થતા લોકો ધક્કે ચઢી રહ્યા છે ત્યારે જિલ્લા અને તાલુકાઓ અલગ કરી ચૂંટણીઓ ટાણે વોટ બેંક ઉભી કરતી સરકાર નર્મદા જેવા પછાત જિલ્લા માં જરૂરી કચેરીઓ અને અધિકારીઓ મૂકે તેવી માંગ ઉઠી છે.

  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની કચેરી માંથી સરકારની નવી નવી યોજનાઓ નું સંચાલન થતું હોય અને સરકાર દર વર્ષે નવી નવી યોજનાઓ અમલ માં મૂકે છે પરંતુ નર્મદા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની કચેરી ૨૦૧૭ ના વર્ષ થી ઇન્ચાર્જ ના ભરોસે ચાલે છે જેમાં કારકુનો પર જ ચાલતી આ કચેરી માં વર્ગ-૧ અને વર્ગ -૨ ની જગ્યાઓ ઘણા વર્ષો થી ખાલી હોય અધિકારી વિના ફક્ત કારકુનો પર ચાલતી આ કચેરી માં સરકાર ની યોજનાઓ ની કામગીરી જાણે અભરાઈ પર પડી ધૂળ ખાતી હોય તેમ લાગે છે.જાણવા મળ્યા મુજબ કચેરીના મુખ્ય અધિકારી પાસે વડોદરા જિલ્લાનો રેગ્યુલર ચાર્જ ઉપરાંત નર્મદા અને છોટાઉદેપુર મળી ત્રણ જિલ્લા ના ચાર્જ એકજ અધિકારી પાસે હોવાથી જાયે તો જાયે કહા જેવો ઘાટ આ અધિકારી નો થઈ રહ્યો છે

  .જોકે અધિકારીની કામગીરી સારી જ છે પરંતુ ત્રણ જિલ્લા ના ચાર્જ હોઈ ત્યારે હાલ લોકડાઉન વચ્ચે તો આ ચાર્જ સંભાળતા અધિકારી ની હાલત નહિ ઘર ના નહીં ઘાટ ના જેવી થવા પામતી હોય છે.જોકે નર્મદા જિલ્લા માં અન્ય પણ કેટલીક કચેરીઓ પણ ઇન્ચાર્જ ના ભરોસે ચાલતી હોવાથી અરજદારો ના કામો સમયસર ન થતા લોકો કચેરીઓના ચક્કર કાપી રહ્યા હોય ત્યારે સરકાર નર્મદા જેવા પછાત જિલ્લા માં જરૂરી કચેરીઓ અને કચેરીઓ માં રેગ્યુલર અધિકારીઓ ની નિમણુંક કરે તેવી લોક માંગ છે.નર્મદ કલેક્ટર પણ આ બાબતે અંગત રસ દાખવી જિલ્લાની કચેરીઓમાં રેગ્યુલર અધિકારીઓ મુકાઈ એ બાબતે યોગ્ય પગલાં લે તેવી માંગ છે.

(8:19 pm IST)