Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

પરપ્રાંતિય મજુરો પાસેથી વતન જવા ભાડુ વસુલવાના નિર્ણય સામે રાજકારણ ગરમાયુ

અમદાવાદ: પરપ્રાંતિય મજુરો પાસેથી વતન જવા ભાડુ વસુલવાનો મુદ્દો વકર્યો છે. વતન જવા માંગતા લોકો પાસેથી કેન્દ્ર સરકારના 85 ટકા અને રાજ્ય સરકારના 15 ટકાના હિસાબે પ્રમાણે ભાડુ વસૂલવાનું નક્કી થયું હતું. છતાં જંબુસરના ઇનેસીડન્ટ કમાન્ડર અને એક્ઝ્યુક્યુટિવ મેજીસ્ટ્રેટે ઉત્તરપ્રદેશ જવાના 685 રૂપિયા અને બિહાર જવાના 760 રૂપિયાનો ચાર્જ વસૂલવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપ્યો હતો. આજે 5 મેના રોજ નીકળનારી ટ્રેન માટે આટલુ ભાડુ લેવાનો આદેશ આપ્યો હતો. તો સુરત જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા પણ મજૂરો પાસેથી ભાડુ વસૂલવા સુરત સ્ટેશન માસ્તરને લેખિત જાણ કરી હતી. તો બીજી તરફ, સુરત અધિક કલેક્ટર દ્વારા આજે જનારી ટ્રેન માટે ભાડુ વસુલવા સ્ટેશન માસ્તરને લેખિતમાં સૂચના અપાઈ હતી. સુરત કલેક્ટર દ્વારા પરપ્રાંતિય સમાજના પ્રમુખ પાસેથી ભાડુ વસૂલવા જણાવાયું હતું. આમ, ગુજરાતમાં પરપ્રાંતિયોને જ્યાં વતન જવાનો માર્ગ મોકળો દેખાયો છે, ત્યાં તેઓ હવે ભાડાના વિવાદમાં સપડાયા છે.

કેન્દ્ર સરકારે વતન જવા માંગતા લોકો માટે લીલીઝંડી આપી હતી. જેના બાદ લોકડાઉનને કારણે બેરોજગાર બનેલા શ્રમિકો પાસેથી બહોળુ ભાડુ વસૂલવામાં આવી રહ્યું હોવાનો મુદ્દો ઉઠ્યો હતો. જેના બાદ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જાહેરાત કરી કે, જે શ્રમિકો વતન જવા માંગતા હશે તેવા લોકો માટે કોંગ્રેસ રૂપિયા ચૂકવશે. જે-તે રાજ્યની કોંગ્રેસ સમિતિ રૂપિયા ચૂકવશે. જેના બાદ વતન જવા માંગતા લોકો પાસેથી કેન્દ્ર સરકારના 85 ટકા અને રાજ્ય સરકારના 15 ટકાના હિસાબે પ્રમાણે ભાડુ વસૂલવાનું નક્કી થયું હતું.

ખેડામા કલેક્ટરે કોંગ્રેસ ભાડુ લેવાનો ઈન્કાર કર્યો

તો બીજી તરફ, ખેડા જિલ્લાના કલેક્ટરે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ પાસેથી પરપ્રાંતિય લોકોને વતન મોકલવા માટે ભાડુ લેવાનો ઇન્કાર કર્યો. કોંગ્રેસ દ્વારા ચૂકવવામાં આવતા નાણાં લેવાનો ઉપરથી કોઇ આદેશ નથી તેવું ખેડા કલેક્ટરે જણાવ્યા હોવાનો ખેડા જિલ્લા કોંગ્રસ સમિતિના અધ્યક્ષે દાવો કર્યો છે. ત્યારે હવે પરપ્રાંતિય લોકોના ભાડા મુદ્દે ભ્રષ્ટાચાર કરાતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.

કચ્છમાં ફસાયેલા 1200 શ્રમિકો માટે આજે ભૂજ-પ્રયાગરાજ સ્પે. ટ્રેન રવાના થઈ હતી. જેમાં ફસાયેલા મજદૂરો પાસે વતન પોહચાડવા માટે ટ્રેનના ભાડા પેટે 2000 હજાર જેટલી રકમ લેવાઇ હોવાનો શ્રમિકો દ્વારા આક્ષેપ કરાયો છે. એક તરફ સરકાર દ્વારા શ્રમિકોને ભાડું લીધા વિના ઘર વતન પહોંચાડવાની વાતો અહીં પોકળ સાબિત થઈ છે. જોકે આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયુ છે. વતન પરત મોકલવા માટે પરપ્રાંતીય શ્રમિકો પાસેથી 2000 રૂપિયા લેવાયા તેની કોંગ્રેસ યાદી ભૂજ સ્ટેશન પર જાહેર કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આકારા પ્રહાર કરતા સરકારની નીતિ સામે સવાલો ઉઠવ્યા છે કે, એક તરફ વિના મૂલ્યે સરકાર ટ્રેનની મદદથી મજૂરોને વતન પહોંચાડવા દાવા વચ્ચે શ્રમિકો પાસે 2000 રૂપિયા

ભાડું લેવાયા છે. જિલ્લા કલેકટર આ સમગ્ર મામલે મૌન ધારણ કર્યું છે, તો બીજી તરફ રાજયમંત્રી વાસણ આહીરે આ આરોપને ફગાવ્યા છે અને સરકાર તમામ શ્રમિકોને મફતમાં મોકલ્યા હોવાનો દાવો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચીફ સેક્રેટરી અનિલ મુકિમને પત્ર લખ્યો હતો. પત્ર દ્વારા રાજ્યના પરપ્રાંતિય તેમજ સ્થાનિક કામદારો, શ્રમિકો માટે રજૂઆત કરી હતી. અમિત ચાવડાએ પત્ર દ્વારા રાજ્યમાં રઝળેલા અને ભૂખ્યા તરસ્યા શ્રમિકો માટે ચિંતા વ્યક્ત કરી તેમના માટે યોગ્ય મદદ કરવા ભલામણ કરી હતી. કોંગ્રેસ તમામ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માંગતી હોઈ આવા શ્રમિકોની વિગત પ્રાપ્ત કરાવવા વિનંતી કરી હતી. અમિત ચાવડાએ ચીફ સેક્રેટરી અનિલ મુકિમને તમામ જિલ્લાના કલેક્ટરને આદેશ કરવા વિનંતી કરી હતી. તમામ જિલ્લાના કલેક્ટર આવા જરૂરિયાતમંદ અને પોતાના વતન જવા માંગતા શ્રમિકોનું લિસ્ટ કોંગ્રેસને આપે તેવો અમિત ચાવડાએ ચીફ સેક્રેટરીને કહ્યું હતું.

(5:53 pm IST)