Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

હેલ્થ પરમીટ ઉપર 'રોક'ની શું જરૂર ?!

પોણા બે મહિનાથી દારૂ વગર માનસીક-શારીરીક તકલીફો ભોગવી રહેલા હજારો પરમીટ ધારકોઃ આ પ્રતિબંધથી કોરોના ફેલાતો તો નહિ અટકે પણ અનેકની તબીયત લથડી જશેઃ પરમીટ ધારકોમાંથી ઉઠતો રોષ

રાજકોટ, તા., ૬: કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પ્રજા ઉપર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. છેલ્લા ૪પ દિવસથી મહદ અંશે  ઘરમાં પુરાઇ રહેતા લોકોની માનસીક સ્થિતિ કથળવા લાગી છે. ખાનગી-સરકારી મનોચિકિત્સકો અને સરકારી હેલ્પ લાઇન ઉપર ઘરમાંથી બહાર ન નિકળવાના કારણે, દારૂ, બીડી, સીગારેટ, તમાકુ ન મળવાના કારણે અસંખ્ય  લોકો ચિડચીડીયા થઇ ગયાની ફરીયાદોનો ધોધ વહી રહયો છે. આવી જ સ્થિતિ ગુજરાતના 'હેલ્થ પરમીટ' ધારકોની થઇ છે.

હેલ્થ એટલે કે તબીબી કારણોસર દારૂ મેળવવા માટે પરમીશન નિયમોને આધીન સરકાર દ્વારા આપવામાં આવે છે. આવી પરમીશન ધરાવતા અનેક પરમીટ ધારકો ઉપર છેલ્લા પોણા બે મહિનાથી રોક લાગી ગઇ છે કારણ કે લોકડાઉનની જાહેરાત સાથે અન્ય ધંધાઓની માફક ગુજરાતમાં વાઇન શોપ પણ બંધ કરી દેવામાં આવી છે. વાઇન શોપને  દવાઓ અને મેડીકલ સ્ટોરની માફક આવશ્યક સેવા હેઠળ ગણી શકાય તેવું સરકારી અધિકારીઓ અને તબીબોનું 'ઓફ ધ રેકોર્ડ' મંતવ્ય થઇ રહયું છે. વાઇન શોપ બંધ રાખવાથી શું કોરોના અટકી જશે? તેવો પ્રશ્ન પુછાઇ રહયો છે.

રાજકોટ જીલ્લામાં જ ૩૦૦૦ થી વધુ  પરમીટ ધારકો હોવાની શકયતા છે. આવી રીતે સૌરાષ્ટ્ર-ગુજરાતનો આંકડો જોઇએ તો હજારો પરમીટ ધારકો છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયથી સરકારના આ નિર્ણયથી તકલીફો ભોગવી રહયા છે. સાયકલોજીકલ સ્ટ્રેસ, અનિંદ્રા અને કેટલાક અંશે હાર્ટ ડીસીસથી બચી શકાય તે માટે તબીબી અભિપ્રાય સાથે  હેલ્થ પરમીટ સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. આ માટે દારૂ વેચાણ ઉપર રાજય સરકાર ૬પ ટકા વેટ, ૧પ૦ ટકા એકસાઇઝ ડયુટી અને પરમીટ રિન્યુ માટે પ્રોસેસ ફી  વસુલે છે.  જેનું  સરકારી તીજોરીને કરોડોનું નુકશાન થઇ રહયું છે.

આ બધા વચ્ચે રોષ વ્યકત કરનાર પરમીટ ધારકનું કહેવું છે કે, રાજયની પ૭ જેટલી વાઇન શોપ ઉપરથી વર્ષે દહાડે વેચાતા દારૂ-બીયર થકી એક અંદાજ મુજબ દર મહિને ૪૦ થી પ૦ કરોડની આવક સરકારી તિજોરીને થાય છે ત્યારે કોરોનાની મહામારી ફેલાતી  રોકવા માટે વાઇન શોપ ઉપરનો પ્રતિબંધ એકેય અંેગલથી ઉચીત જણાતો નથી. કોરોના તો અટકતો અટકશે પરંતુ સરકારના આ અવિચારી પગલાથી તિજોરીને કરોડોનું નુકશાન થવાની સાથે પરમીટ ધારકોની તબિયત પણ લથડી રહી છે તે ચોક્કસ છે. આ બાબતે યોગ્ય નિર્ણય તુરંતમાં કરવામાં આવે તેવી લાગણી-માંગણી પ્રસરી રહી છે.

(4:13 pm IST)