Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ચોમાસા પૂર્વેની તડામાર તૈયારીઃ વરસાદના આંકડા- NGO ની માહિતી ઓનલાઇન

સંભવિત પુર-વાવાઝોડા સામે બચાવ માટે સરકારે દરેક જિલ્લાને કોમન એજન્ડા આપ્યોઃ તા.૧ જુનથી કંટ્રોલ રૂમ

રાજકોટ, તા. ૬ :. રાજ્ય સરકારે ઉનાળાનો ઉતરાર્ધ શરૂ થતા ચોમાસાના આગમનની તૈયારી શરૂ કરી છે. મહેસુલ વિભાગ હેઠળના રાહત નિયામકની કચેરી અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા ચોમાસા પૂર્વેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. સંભવિત પૂર અને વાવાઝોડા સામે બચાવ માટે તંત્રને જિલ્લાવાર સાબદુ રાખવા કોમન એજન્ડા આપવામાં આવ્યો છે. ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો કંટ્રોલ રૂમ કાયમ માટે ચાલુ હોય છે. જિલ્લા કક્ષાએ ચોમાસુ કંટ્રોલ રૂમ ૧ જૂનથી શરૂ થશે.

મહેસુલ વિભાગના વર્તુળોના જણાવ્યા મુજબ દર વર્ષે દરેક જિલ્લા વહીવટી તંત્ર પોતાની રીતે ચોમાસા પૂર્વેની કામગીરી કરતુ હોય છે. આ વખતે કામગીરીના સંકલન માટે કોમન એજન્ડા રાજ્ય કક્ષાએથી જ બનાવી દરેક જિલ્લાને મોકલી દેવામાં આવ્યો છે. જિલ્લા તંત્રએ એજન્ડા મુજબ ઉપરાંત સ્થાનિક કક્ષાએ જરૂરીયાત મુજબ ચોમાસા પૂર્વેની કામગીરી કરવાની રહેશે. જર્જરીત મકાનો તોડી પાડવા, વોંકળા સાફ કરાવવા, નડતરરૂપ ઝાડ દૂર કરવા, તરવૈયા તૈયાર રાખવા, સ્થળાંતર માટેના સ્થળો પસંદ કરી રાખવા વગેરે બાબતોનો કોમન એજન્ડામાં સમાવેશ થાય છે. કોઈ કુદરતી આપત્તિ સર્જાય તો સ્વૈચ્છીક સંસ્થાઓની મદદ માટે તમામ સંસ્થાઓની નામાવલી ઓનલાઈન તૈયાર થઈ રહી છે. જેના આધારે જરૂરીયાત મુજબ સંસ્થાઓનો સહયોગ મેળવી શકાશે. વરસાદના આંકડા દરેક જિલ્લા કક્ષાએથી કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમથી મોકલવામાં આવે તેવુ આયોજન છે. જે તે જિલ્લા તંત્ર આંકડાકીય માહિતીની ઓનલાઈન એન્ટ્રી કરી શકશે. રાજ્ય કક્ષાએ સમગ્ર રાજ્યના આંકડાઓ ઓનલાઈન એકત્ર કરવામાં આવશે. જેના કારણે કયા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે ? તે ત્વરીત જાણી શકાશે. ટૂંક સમયમાં મુખ્ય સચિવની હાજરીમાં તમામ જિલ્લાને લાગુ પડતી બેઠક થવાની શકયતા છે. તા. ૧ જૂનથી રાબેતા મુજબ જિલ્લાવાર કંટ્રોલ રૂમ શરૂ થઈ જશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટના સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. ચોમાસાના આગમન બાબતે હવામાન ખાતાએ કોઈ સત્તાવાર આગાહી કરી નથી પરંતુ વર્તમાન વાતાવરણ જોતા ચોમાસુ દર વર્ષ કરતા થોડુ વહેલુ આવવાની ધારણા સાથે સરકારે પૂર્વ તૈયારી આગળ વધારી છે.

(3:51 pm IST)