Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

આર. એસ. ભગોરાને DCP માંથી DYSP પદે ઉતારી દેવાશે કે કેમ ? આતુરતાભરી મીટ

સુપ્રિમ કોર્ટના આદેશના પગલે ગુજરાત સરકારની દરખાસ્ત અંગે કેન્દ્ર અને યુપીસીના નિર્ણય પર ગુજરાત કેડરના આઇપીએસનું ભાવી નિર્ભરઃ ૪ નિવૃત પોલીસ સ્ટાફના પેન્શન બંધઃ પ૦ લાખનું વળતર અને નોકરીનો મામલો પોલીસ ભવનની વિચારણામાં

રાજકોટ, તા., ૬: ગુજરાતમાં ર૦૦રના ગોધરાકાંડ સમયના રમખાણોમાં ભોગ બનેલી  બિલ્કિસબાનોના ચકચારી મામલે સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાતના આઇપીએસ આરએસ ભગોરા સહિત પાંચ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશના પગલે ગુજરાતના ગૃહ ખાતા દ્વારા  આઇપીએસ આર.એસ.ભગોરાને  બે પાયરી નીચે ઉતારવા માટે કેન્દ્રને મોકલેલ  દરખાસ્ત કેન્દ્ર અને યુપીએસસી  દ્વારા મંજુર કરવામાં આવે તો જ તેમને બે પાયરી નીચે ઉતારવાના સુપ્રિમ કોર્ટના આદેશનો અમલ થઇ શકે તેમ ગુજરાતના ગૃહસચિવ બ્રજેશકુમાર ઝાએ અકિલા સાથેની વાતચીતમાં કાયદાકીય પરિસ્થિતિ અંગે સમજણ આપતા જણાવ્યું હતું.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ કેન્દ્ર  અને યુપીએસસી આ મામલે કેવું વલણ અપનાવે છે તેનાપર રાજયભરના પોલીસ તંત્ર અને આઇપીએસ અધિકારીઓની આતુરતાભરી મીટ મંડાઇ છે. સુત્રોના વિશેષમાં જણાવ્યા મુજબ સિનિયર કક્ષાના આઇપીએસ આર.એસ.ભગોરા કે જેઓ હાલમાં અમદાવાદ ખાતે ડેપ્યુટી પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે તેઓના મામલામાં કેન્દ્ર દ્વારા ગુજરાત સરકારની દરખાસ્ત મંજુર કરવામાં આવે તો તેઓ ડીવાયએસપી તરીકે નિવૃત થશે અને તેમનું પેન્શન તથા હકકો તે રીતે મળશે.

 અત્રે યાદ રહે કે ગુજરાત કેડરના આઇપીએસ આર.એસ.ભગોરા અમદાવાદ પશ્ચિમના નાયબ પોલીસ કમિશ્નર છે. બિલ્કિસબાનોને પ૦ લાખનું વળતર આપવા પણ આદેશ કરાયો છે. ૪ પોલીસ કર્મચારીઓને સામે પગલાના આદેશથી એ નિવૃત થયેલા  કર્મચારીઓના પેન્શન પણ બંધ થયા છે.

 

(1:25 pm IST)