Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અમદાવાદની નવનિર્મિત સીટી સેસન્સ કોર્ટમાં પાન- મસાલા- ગુટખા લઈ જવા ઉપર પ્રતિબંધ

સ્વચ્છતા જાળવવા નિર્ણયઃ કોર્ટ દ્વારા લોકોના ખિસ્સા તપાસાશેઃ મ્યુનિ. કમિશ્નર વિજય નેહરા સહિત અનેક લોકોએ નિર્ણયને આવકાર્યો

અમદાવાદ, તા. ૬ :. ભદ્ર વિસ્તારમાં રૂ. ૧૬૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ૯ માળની સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વકીલો, સ્ટાફ, પક્ષકારો સહિતના તમામ લોકો પાન, મસાલા અને ગુટખા લઈ જઈ નહીં શકે. કોર્ટના પ્રવેશ દ્વારે ફરજ બજાવનાર કર્મચારી તમામ લોકોના ખિસ્સા ચેક કરશે અને તેમની પાસેથી પાન, મસાલા, ગુટખા લઈ લેશે. ભદ્ર વિસ્તારમાં કોર્પોરેટ લુક ધરાવતી સિટી સિવિલ એન્ડ સ્મોલ કોઝ કોર્ટનું ઉદઘાટન ૧૪ એપ્રિલે કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેએ કર્યુ હતું.

જજ, વકીલો, પક્ષકારો, સ્ટાફ, પોલીસ અને કેદી સહિતના લોકો માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે. બિલ્ડીંગમાં ગંદકી ના ફેલાય અને સ્વચ્છતા જળવાઈ રહે માટે મુખ્ય પ્રવેશ દ્વારે ફરજ પર હાજર કર્મચારી પ્રવેશ કરનારનું ચેકિંગ કરશે અને તેમની પાસેથી પાન, મસાલા, ગુટખા નીકળશે તો તે ત્યાં જ લઈ લેવા લેવામાં આવશે તેમ જ કોર્ટમાં એન્ટ્રી માટે પાસ સિસ્ટમ અને મેટલ ડિટેકટરનો પણ અમલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નવ માળના આ ઈમારતનું ૧૬૦ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યુ છે, જેનું થોડા સમય પહેલા ઉદઘાટન કરવામાં આવ્યુ હતું.

આ બિલ્ડીંગમાં પ્રથમ માળે વકીલોની બેઠક વ્યવસ્થા કરાઈ છે. બીજા માળે સ્મોલકોઝ કોર્ટ, ત્રીજા માળે સિવિલ કોર્ટ અને ચોથા માળથી સેશન્સ કોર્ટ કાર્યરત છે. પાર્કિંગની સમસ્યા ના સર્જાય માટે ૨૫૦ કાર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. તેમજ રિવર ફ્રન્ટ પાસે પણ પક્ષકારો સહિતના લોકો પાર્કિંગ કરી શકશે. દેશમાં પ્રથમવાર સાક્ષીઓ માટે ખાસ રૂમની વ્યવસ્થા કરાઈ છે. જેના કારણે આરોપીઓથી સાક્ષીઓ દૂર રહેશે અને નિડરતાપૂર્વક જુબાની આપી શકશે. વિકલાંગો માટે પણ કોર્ટમાં ૧૦ વ્હીલ ચેર અલગ અલગ જગ્યાએ મુકાઈ છે. અમદાવાદના મ્યુનિ. કમિશ્નર શ્રી વિજય નેહરા સહિત અનેક લોકોએ આ નિર્ણયને વધાવી લીધેલ છે.શ્રી નેહરાએ ટ્વીટ કરીને લખ્યુ છે કે આવી ખરાબ ટેવોવાળા લોકોને બધે જ સ્થળે કોઈ જ આવકારો આપવો ન જોઈએ અને તેમને ગમે નહિ તેવું વાતાવરણ સર્જવુ જોઈએ.

(12:11 pm IST)