Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

હવે એચડીએફસીના આદિત્ય પુરીનું ખાસ રીતે બહુમાન થયું

કોર્પોરેટ અને સખાવતી ક્ષેત્રે નેતૃત્વ બદલ એવોર્ડ : આદિત્ય પુરીના નેતૃત્વ હેઠળ એચડીએફસી દ્વારા કુલ ૪ કરોડથી વધુ સામાજીક કામગીરીઓ-મહત્વના પરિવર્તન

અમદાવાદ, તા.૫ :  અમેરિકન ઈન્ડીયન ફાઉન્ડેશને એમના વાર્ષિક સમારંભ ન્યૂયોર્કમાં ગાલામાં કોર્પોરેટ અને સખાવતી ક્ષેત્રે નેતૃત્વ બદલ શ્રી આદિત્ય પુરીનું બહુમાન કર્યું હતું. આ બહુમાન તેમના નેતૃત્વ હેઠળ એચડીએફસી બેંકમાં પરિવર્તનકારી કાર્યોની કદર તરીકે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારંભમાં ન્યૂયોર્કના ૬૦૦થી વધુ અત્યંત પ્રભાવશાળી કોર્પોરેટ આગેવાનો, ઉદ્યોગસાહસિકો, સીઈઓ, સખાવત કરતા મહાનુભવો અને સમુદાયના નેતાઓ હાજર હતા. ડેલ ટેક્નોલોજિસના ચેરમેન અને સીઇઓ શ્રી માઇકલ ડેલને પણ શિક્ષણ તરફ તેમના નેતૃત્વને આગળ ધપાવવા માટે સન્માન આપવામાં આવ્યું હતું. શ્રી પુરીએ આ સમારંભમાં હાજર રહેલા સમુદાયને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પરિવર્તન માટેનો અમારો મંત્ર જે લોકો તરફ ધ્યાન અપાયું નથી તેવા લોકો માટે બદલાવ અને પ્રગતિનો છે. આ એવોર્ડ સ્વિકારતાં હું સન્માન અને નમ્રતાની લાગણી અનુભવું છું. શ્રી પુરીના નેતૃત્વ હેઠળ એચડીએફસી બેંકે અંદાજે ૪ કરોડથી વધુ સામાજીક કામગીરીઓ માટે તેમની છત્રરૂપ સંસ્થા પરિવર્તનના માધ્યમથી થયું છે અને તેના દ્વારા ભારતીયોના જીવનમાં તફાવત હાંસલ કરી શકાયો છે. ટીચ ધ ટીચર નામના ફ્લેગશીપ કાર્યક્રમ હેઠળ બેંકે ૧૮ રાજ્યોના ૧૪ લાખ શિક્ષકોને તાલીમ આપીને આડકતરી રીતે ૧.૬ કરોડ જેટલા વિદ્યાર્થીઓને લાભ આપ્યો છે. બેંકના સસ્ટેનેબિલીટી રિપોર્ટમાં શ્રી પુરી જણાવ્યુ કે, જે સમુદાયની વચ્ચે કામ કરતાં હોઈએ તે નિષ્ફળ નિવડે તો બિઝનેસ સમૃધ્ધ થઈ શકે નહીં એવું અમારૃં માનવું છે. આ વિચારધારાથી અમારી સામાજીક પ્રવૃત્તિને પ્રેરણા મળતી રહી છે અને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને અમે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ૩.૫ કરોડ લોકોના જીવનમાં તફાવત સર્જી શક્યા છીએ. આ પ્રવૃત્તિ વડે ઈન્ડીયા-ભારત વચ્ચેનો તફાવત ઘટાડવામાં અમને સહાય થઈ છે.

(9:41 pm IST)