Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કેન્દ્ર સરકારનો હેલ્થ વર્કરોને અન્યાય : કોરોનામાં મૃત્યુ પામનારને 50 લાખનો વીમા કવચ નહિ મળે

આરોગ્ય કર્મીઓ અને હેલ્થ વર્કરોને 50 લાખની વીમા સહાયની રકમની જાહેરાત હતી.સરકારે હવે એ યોજના બંધ કરી દીધી

રાજપીપળા: છેલ્લા 1 વર્ષથી દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.જો કોરોના કાળ દરમિયાન કોઈએ દર્દીઓની પોતાના પરિવારની પરવા કર્યા વિના સેવા કરી હોય તો તે છે હેલ્થ વર્કરો, હવે એ જ હેલ્થ વર્કરો સાથે દેશની મોદી સરકારે અન્યાય ભર્યો નિર્ણય લીધો છે.પેહલા કોરોનાની કામગીરી દરમિયાન મૃત્યુ પામનાર આરોગ્ય કર્મીઓ અને હેલ્થ વર્કરોને 50 લાખની વીમા સહાયની રકમની સરકારે જાહેરાત હતી.સરકારે હવે એ યોજના બંધ કરી દીધી છે

કોરોના કાળ દરમિયાન દર્દીઓની સેવા કરતા કરતા કેટલાયે આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમણના ભોગ બન્યા તો એમાંથી કેટલાયે પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.આ જ કારણે આરોગ્ય કર્મીઓ કોરોના દર્દીઓની સેવા કરવાથી ડર અનુભવી રહ્યા હતા.આરોગ્ય કર્મીઓના જીવનો ખ્યાલ કરી કેન્દ્ર સરકારે 30/3/2020 ના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ ઈન્સ્યોરન્સ સ્કીમની જાહેરાત કરી હતી.એ સ્કીમ મુજબ જે પણ હેલ્થ અધિકારી/ કર્મચારી/ વર્કર કોરોનાને લીધે મૃત્યુ પામે તો એમને 50 લાખ રૂપિયાનું વીમા કવચ મળવા પાત્ર હતું.

હવે હાલમાં એક તરફ કોરોના સંક્રમણનો ગ્રાફ વધ્યો છે તો બીજી બાજુ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ ઈન્સ્યોરન્સ સ્કીમ 24/03/2021 થી બંધ કરી દીધું છે.તેથી હવે પછી જો કોઈ પણ હેલ્થ વર્કર જો કોવિડને કારણે મૃત્યુ પામશે તો એમને 50 લાખ રૂપિયાના વીમાની રકમ મળશે નહીં.અત્રે એ ઉલ્લેલખનીય છે કે આ સ્કીમ બંધ થઈ હોવાનો પરિપત્ર જાહેર કરનાર જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.દિનકર રાવલ પોતે પણ કોરોના સંક્રમિત થયા છે.

કોરોનાના કેસો વધતા તબીબી સ્ટાફની પણ અછત સર્જાઈ રહી છે.વડોદરા, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં કોરોના દર્દીઓ વધ્યા છે તો બીજી બાજુ તબીબી સ્ટાફની અછત સર્જાઈ છે.ત્યારે એવા વિસ્તારોમાં સારવાર માટે અન્ય જિલ્લાઓ માંથી તબીબો અને તબીબી સ્ટાફને પ્રતિ નિયુક્તિ પર ફરજ બજાવવા બોલવાઈ રહ્યા છે.

રાજ્યની આરોગ્ય વિભાગ હસ્તકની દરેક હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો અને સ્ટાફે, પેરામેડીકલ સ્ટાફ કે જેમણે સ્વૈચ્છીક નિવૃતી લીધી છે અથવા રાજીનામુ આપ્યું છે એમની સ્વૈચ્છીક નિવૃત્તિ અને રાજીનામુ 3 મહિના સુધી ન સ્વીકારવા રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે આદેશ કર્યો છે.ત્યારે આવા સમયે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ ઈન્સ્યોરન્સ સ્કીમ અચાનક બંધ કરી સરકારે હેલ્થ કર્મીઓ સાથે હળહળતો અન્યાય કર્યો છે.

(8:56 pm IST)