Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોરોના સંક્રમણ વધતા પાટણમાં સાંજે 5 પછી સ્વૈચ્છીક લોકડાઉન : પાલનપુર શનિ-રવિવારે સ્વૈચ્છીક બંધ રહેશે

પાટણમાં 7 એપ્રિલથી સાંજે 5 વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે વેપાર – ધંધા બંધ રાખવા સર્વાનુમતે નિર્ણય

ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા હવે સંક્રમણને રોકવા માટે વેપારીઓ આગળ આવ્યા છે. પાલનપુર અને પાટણના વેપારીઓએ કોરોના સંક્રમણ રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. પાટણમાં કાલથી સાંજે પાંચ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થશે. જ્યારે પાલનપુરમાં શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક બંધ રહેશે.

પાલનપુરમાં કોરોના સંક્રમણ વધતા ચીફ ઓફિસરની વેપારીઓ સાથે બેઠક મળી હતી.જેમાં શનિવાર અને રવિવારે પાલનપુરને સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, જરૂરી ચીજવસ્તુઓ મેડિકલ, દૂધ અને ફળફળાદીની દુકાનો ચાલુ રહેશે. એક અઠવાડિયામાં પાલનપુરમાં કોરોનાના 60થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

બીજી તરફ પાટણમાં પણ કાલથી સાંજે પાંચ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પાટણમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેક્ટરે વિવિધ સંગઠનો સાથે બેઠક યોજી હતી. પાટણમાં 7 એપ્રિલથી સાંજે 5 વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે વેપાર – ધંધા બંધ રાખવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. પાટણના તમામ નાગરિકોને સાંજે 5 વાગ્યા બાદ ઘરથી બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું પ્રમાણ વધતાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોનાથી બચવા માટે લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. લોકો સ્વયંભૂ કોરોના સામેની લડાઈમાં સ્વયં શિસ્તનું પાલન કરીને આ મહામારી સામે લડે એ માટે અપીલ કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા કલેક્ટરસુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને કોરોના સંક્રમણના અટકાયત માટે વિવિધ વેપારી એસોશિયેસનના હોદ્દેદારો, રાજકીય સંગઠનોના હોદ્દેદારો, પાટણ નગરપાલિકાના કોર્પોરેટરઓ સાથે બેઠક યોજાઈ હતી.

પાટણમાં કોરોનાના 107 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે 23 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 3943 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જ્યારે બનાસકાંઠામાં કોરોનાના 24 પોઝિટિવ કેસ સામે આવ્યા છે

(8:44 pm IST)