Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો :બીમાર બાળકને લઈને એક કિ.મિ.દોડ્યો પિતા : ના આવ્યું કોઈ મદદે: માસૂમનું થયું મૃત્યુ

108 એમ્બ્યુલન્સ કોવીડના દર્દીઓને લાવવા લઇ જવાના કામમાં વ્યસ્ત : ઉમરવાડાના શ્રમજીવી પરિવારની એકેય રિક્ષાચાલકે માનવતા ના દાખવી : માસુમ બાળક ત્રણ દિવસથી ઝાડા -ઉલ્ટીમાં સપડાયો હતો

સુરત : શહેરમાં કોરોના બેકાબુ થઇ રહ્યો છે. દિન પ્રતિદિન સ્થિતિ વિકટ અને ગંભીર બનતી જાય છે, દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે શહેરની બધી જ 108 એમ્બ્યુલન્સને કોવિડના દર્દીઓને લાવવા લઇ જવાના કામે લગાડવામાં આવી છે. આવા કપરા સમયમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે ઉમરવાડા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના બીમાર બાળકને હોસ્પિટલ સુધી લઇ જવા માટે સમયસર 108 એમ્બ્યુલન્સ નહીં મળતા પરિવાર બાળકને કેટલાકે દૂર સુધી હાથમાં ઉંચકીને દોડ્યા હતા અને નવી સિવિલમાં પહોંચ્યા હતા. જોકે ત્યાં સુધીમાં બાળકે દમ તોડી દીધો હતો.

સુરત જિલ્લાના ઉમરવાડાના શ્રમજીવી હાથમાં બીમાર માસૂમ પુત્રને લઈ એક કિલોમીટર સુધી દોડ્યા પણ એકેય રિક્ષાચાલકે માનવતા ન દાખવી હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ લવાયેલા 3 વર્ષના માસૂમ બાળકને ડોક્ટરોએ મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માસૂમ મનીષકુમાર ત્રણ દિવસથી ઝાડા-ઉલ્ટીમાં સપડાયો હતો. સ્થાનિક ડોક્ટરની દવા લીધા બાદ આજે સવારે તબિયત બગડતાં પુત્રને હાથમાં ઊંચકીને દોડતા લાચાર પિતાને લોકો જોતા રહ્યા, પણ કોઈ મદદે ન આવ્યું હોવાનું પિતાએ જણાવ્યું હતું

નવા કમલાસ્થિત ઉમરવાડામાં રહેતા રણજીત સહાનીનો પુત્ર મનીષ કુમાર (ઉ.વ.3) ઝાડા ઉલ્ટીમાં સપડાયો હતો. ગઈ કાલે સાંજે ઘરે તેની તબિયત વધુ બગડતા આજે વહેલી સવારે પિતા અને ફોઈ સુલેખા તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા જયાં ફરજ પરના ડોકટરોએ બાળકને મરણ જાહેર કર્યા હતા. દરમિયાન સવારે ટ્રોમાં સેન્ટર અને પીએમ રૂમ ઉપર પરિવારનોએ હૈયાફાટ રુદન કરતા જણાવ્યું હતું કે મનીષની તબિયત વધુ બગડતા તેઓએ 108ને કોલ કર્યો હતો પરંતુ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી નહીં.

    બીજી બાજુ તેની તબિયત વધુ બગડવા લાગી હતી. નજીમાં કોઇ રીક્ષા પણ નહીં મળતા કેટલાક દૂર સુધી તેઓ બાળકને હાથમાં ઉંચકીને દોડ્યા હતા. થોડે દૂર પહોંચતા એક રીક્ષા મળતા તેમાં તેને સિવિલ લઇ આવ્યા હતા પશ્ન અહીંયા પહોંચતા બાળકે દમ તોડી દીધો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે મનીષને અન્ય એક ભાઈ છે અને તેના પિતા હમાલી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે

(8:20 pm IST)