Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અમદાવાદમાં ૫૦ કર્મીઓ કોરોના સંક્રમીત થતા લોકોની સાથે પોલીસ કર્મીઓને પણ ફરજિયાત માસ્ક પહેરવા પોલીસ કમિશ્નરનો આદેશ

માસ્ક વિના જોવા મળતા ૨ પોલીસ કર્મી સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ

અમદાવાદ : અમદાવાદ માં પોલીસ કર્મચારીઓને પણ ફરજ દરમિયાન સંક્રમીત થતા અટકાવવા પોલીસ માટે માસ્ક ફરજીયાત બનાવવાનો આદેશ થયાનું આવેલ છે.

અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાણવવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે અમદાવાદ શહેરમાં 50 જેટલા પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. શહેરમાં હવેથી જે પણ પોલીસકર્મી માસ્કવિના ફરતા દેખાશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટેની સૂચના અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધતા જોવા મળી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા જાહેરમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી 1 હજાર રુપિયાનો દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં 50 જેટલા પોલીસકર્મીઓ કોરોના વાયરસના ચપેટમાં આવી ગયા છે. જો કે, કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા તમામ પોલીસકર્મીઓને માસ્ક પહેરવા માટેના કડક આદેશ આપી દીધા છે. જો કોઈ પોલીસકર્મી માસ્કવિના દેખાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

જો કે, આજ દિન સુધી પોલીસ વિભાગમાં કુલ 1590 કોરોનાના કેસો સામે આવ્યા છે. જેમાથી 1524 પોલીસ કર્મીએ કોરોનાને માત આપી છે અને 16 પોલીસ કર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાની બીજી લહેરમાં પણ 5 દિવસમાં 50 કેસ નોંધાયા છે. જેથી પોલીસ વિભાગમાં કોરોના વિભાગમાં સંક્રમણ અટકાવી શકાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીએ આદેશ કર્યા છે. અને કોરોના ગાઈડલાનનુ સંપુર્ણ પાલન કરવા માટે સુચના આપી છે.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા રાજયના ડીજીપી આશિષ ભાટીએ માસ્કનું ફરજિયાત પાલન કરાવવા માટે કડક સૂચના આપી હતી અને તેઓએ જણાવ્યું હતુ કે, જે પણ વ્યકિતએ માસ્ક નહીં પહેરયું હોય તેવા લોકો પાસેથી કાયદેસર 1 હજાર રુપિયાનો દંડ વસૂલવામાં આવશે.

અમદાવાદીઓએ માસ્ક ના પહેરતા 26 કરોડનો દંડ ભર્યો

અમદાવાદીઓએ માત્ર માસ્ક ના પહેરવાનો 26 કરોડ રૂપિયાનો જંગી દંડ ભર્યો છે. ગૃહમાં મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે હેલ્મેટ તથા માસ્ક ન પહેરવાના કારણે થયેલા દંડની માહિતી માંગી હતી જેનો મુખ્યમંત્રી (ગૃહ) દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.અમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષમાં હેલ્મેટ ના પહેરવાના કારણે 22 કરોડ 23 લાખ 46 હજાર 195 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે માસ્ક ન પહેરવાના કારણે 26 કરોડ 96 લાખ 48 હજાર 800 રૂપિયા દંડ વસુલવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં હેલ્મેટ અને માસ્ક ન પહેરવા બદલ અમદાવાદીઓએ 49 કરોડ 19 લાખ 94 હજાર 995 રૂપિયાનો દંડ ભર્યો છે.

(8:19 pm IST)