Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મુખ્યમંત્રી રૂપાણીના મોટાભાઇ લલિતભાઇ , તેના પુત્ર સહીત પરિવારના પાંચ સભ્યો કોરોના રિપોર્ટ પોઝિટિવ

પિતા-પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાયા : પુત્રવધુ અને તેમની નાની બે દીકરીઓ હોમ આઇસોલેટ થયા

રાજકોટ : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના મોટાભાઇ લલિતભાઇ તથા તેમના પરિવારના અન્ય ચાર સભ્યો મળીને કુલે પાંચ જણાંને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે રુપાણીના મોટાભાઇ લલિતભાઇ તથા તેમનો પુત્ર અમિનેષભાઇ હોસ્પિટલમાં દાખલ થઇ ગયા છે. જયારે અમિનેષભાઇના ધર્મપત્ની તથા તેમની નાની બે દિકરીઓ હોમ કવોરોન્ટાઇન થયા છે.

 સમગ્ર ગુજરાતમાં કોરોનાએ  કાળો કેર મચાવ્યો છે. તેમાંય ખાસ કરીને ગુજરાતના મહાનગરો એવા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં તો હાહાકાર મચી ગયો છે. આ વખતે કોરોનાએ ગામડાંઓને પણ ઝપટમાં લીધાં છે. પરિણામે ચોતરફ ઉહાપોહ ફેલાઇ ગયો છે. સુરતમાં વધતાં જતાં કેસોને ધ્યાનમાં લઇને ગુજરાતના મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી ઉપરાંત સરકારી ઉચ્ચ અધિકારીઓ સુરત પહોંચ્યા હતા. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી રુપાણીના મોટાભાઇ લલિતભાઇ તથા તેમના પુત્ર અમિનેષભાઇ, ધર્મપત્ની અને તેમની બે દિકરીઓ કોરોના સંક્રમણ થતાં પાંચેય સભ્યોએ સારવાર ચાલુ કરાવી દીધી છે.

ગુજરાતના મુખ્યમંત્રીના ત્રણ ભાઇઓ રાજકોટમાં રહેતાં હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. તેમાં વિજયભાઇના મોટાભાઇ લલિતભાઇ તથા તેમના પુત્ર અમિનેષ સહિતના પરિવારના પાંચ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તકેદારી માટે લલિતભાઇ તથા તેમના પુત્ર હોસ્પિટલાઇઝ થયા છે. બાકીના પરિવારના સભ્યો હોમ કવોરોન્ટાઇન થયાં છે. પરિવારના પાંચ સભ્યો એક સાથે કોરોના પોઝીટીવ આવતાં ચિંતાની લાગણી ફેલાઇ છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ ટેસ્ટીંગ કરાવી લેવા માટે અનુરોધ કર્યો છે.

(9:49 pm IST)