Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ધૈર્યરાજસિંહની સારવાર માટે એકત્ર થઇ ગયું 16 કરોડનું દાન : 12 દિવસમાં દવા આવી જશે

ધૈર્યરાજસિંહનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એનજીઓમાં પોતાનું ખાતું ખોલાવી એમાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી હતી

અમદાવાદ : અત્યંત રેર બીમારી (SMA)થી પીડાતા ધૈર્યરાજસિંહની સારવાર માટે વિદેશથી દવા મગાવવી જરૂરી હતી. મધ્યમવર્ગના પરિવાર માટે દવાના 16 કરોડ રુપિયા ભેગા કરવા સપના સમાન હતું, પણ એક મદદની હાકલને લોકોએ મન મૂકીને ધૈર્યરાજસિંહ  દવા માટે મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. આજે તેને 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ ગઈ છે, જેમાં 2 કરોડથી વધુ રોકડ પણ મદદના રૂપમાં આવી છે.

ધૈર્યરાજસિંહના પિતાએ એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે મને લોકો અને મિત્રો પાસેથી ખૂબ મદદ મળી છે. આજે મારા દીકરાની સારવાર માટેના 16 કરોડ ભેગા થઈ ગયા છે, જેથી હવે ટેક્નિકલ પ્રક્રિયા પૂર્ણ કરીને હવે દવા મગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક વખત દવા માટે ઓર્ડર અપાઈ જાય ત્યાર બાદ 15 દિવસમાં એ આવી જાય છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ત્યાં બાળકનો જન્મ થતાં માતા-પિતા તેમજ પરિવારજનોમાં આનંદ પ્રસર્યો હતો. પરંતુ માતા-પિતાને ક્યાં ખબર હતી કે બાળક એક ગંભીર બીમારી સાથે જન્મ્યું છે. કુદરતની મરજી આગળ માણસ લાચાર છે એવું કહેવાય છે. પરિવારજનો બાળકને હોસ્પિટલમાં લઇ જતાં ચકાસણી દરમિયાન નિષ્ણાત ર્ડોક્ટરે જણાવ્યું હતું કે ધૈર્યરાજસિંહ જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે, જેને એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet)તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે.

 

આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવાં બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતો નથી, જેને લીધે ન્યુરોન્સનો સ્તર અપૂરતો હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે, આ રોગની સારવાર ખૂબ મોંઘી છે, તેના માટેના ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસ.થી માગવું પડે છે, જેની માન્યતા ડિસેમ્બર-2016માં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (સ્પિનરાઝા)ને મળેલું છે.

ડોક્ટરોના કહેવા પ્રમાણે, બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે. જેના માટે બાળકના પિતાએ 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે, ત્યારે તેઓ ચિંતા કર્યા વગર ધૈર્યરાજસિંહનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એનજીઓમાં પોતાનું ખાતું ખોલાવી એમાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે, ત્યારે તેમણે આ રકમ ભેગી કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી મહીસાગર જિલ્લા અને રાજ્યના તમામ ભામાશા પાસે પ્રાર્થના કરી છે.ત્યારે ગુજરાતની તમામ જનતા પાસે ફૂલ નહી તો ફુલની પાંખડી આપવા માટે આજીજી કરી હતી.

(6:57 pm IST)