Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અમદાવાદની ઝાયડસ હોસ્‍પિટલના ગેઇટ પાસે કોરોના દર્દીઓ માટે ઉપયોગી ઇન્‍જેકશન માત્ર 9પ0માં મળે છેઃ સવારથી જ દર્દીઓના સગાની લાગે છે લાઇનો

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધારો થઈ રહ્યો છે જેને લઇને લોકોમાં ભયંકર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં કોરોના સંક્રમિત દર્દીઓને કોરોના સામે જંગમાં દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યારે બજારમાં આ ઇન્જેક્શન ખુબજ ઓછા મળે છે. એવામાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે અમદાવાદમાં વહેલી સવારથી જ લોકોની લાઈનો લાગી રહી છે.

ઝાયડસ હોસ્પિટલના ગેટ પર ઇન્જેક્શન લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ડોક્ટકના પ્રિસ્ક્રિપ્શન સાથે અમદાવાદ સહિત શહેર બહારથી પણ લોકો ઇન્જેક્શન લેવા માટે ઉમટી રહ્યા છે. લાઈનમાં ઉભેલા લોકોનુ કહેવું છે કે, બજારમાં રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહ્યા નથી અને જો મળે છે તો તેના ભાવ વધારે લેવામાં આવી રહ્યા છે.

રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે સંક્રમિત વ્યક્તિનો રિપોર્ટ, ડોક્ટરનું લખાણ, દર્દીના પુરાવા સાથે લોકો લાઈનમાં ઉભા છે. 1 વ્યક્તિને 6 ઇન્જેક્શનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. કેડીલાએ બનાવેલા ઇન્જેક્શનની કિંમત 899 છે અને ટેક્સ સાથે અંદાજે લોકોને 950 રૂપિયામાં મળી રહી છે. અમદાવાદ અને શહેર બહારથી પણ લોકોની રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાંબી લાઈનો લાગી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. ત્યારે કોરોના ટેસ્ટિંગ કરાવવા માટે લોકોની દૂર દૂર સુધી લાંબી લાઈનો જોવા મળી રહી છે. અમદાવાદના અમરાઈવાડીના હાટકેશ્વર બ્રિજ નીચે કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે અહીં કોરોના ટેસ્ટિંગ ડોમ પાસે 200 થી વધુ લોકો ટેસ્ટ કરાવવા લાઈનમાં લાગ્યા છે. આ વિસ્તારમાં યુવાનો, બાળકોથી લઇને મોટી ઉંમરના લોકો ટેસ્ટ કરાવવા આવી રહ્યા છે. હાટકેશ્વર ટેસ્ટિંગ ડોમ ખાતે દરરોજ 300 થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં ડોમ ખાતે 40 થી 50 પોઝિટિવ કેસો સામે આવે છે. સંક્રમણ વધતાં ટેસ્ટ કરાવવા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

(5:42 pm IST)