Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

સુરતમાં થોડા સમય પહેલા પરિવારજનો સાથે સ્‍વસ્‍થ હાલતમાં વાત કરનાર કોરોના દર્દીનું મોત થતા પરિવારજનોનો ભારે આક્રોશ

સુરત: ગુજરાતમાં દર મિનિટે ત્રણ લોકોને કાળમુખો કોરોના ડંખી રહ્યો છે. રાજ્યમાં પહેલીવાર કોરોનાના નવા કેસ 3 હજારને પાર પહોંચી ગયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 16,252 એક્ટિવ કેસ છે. ત્યારે કોરોના આઉટ ઓફ કંટ્રોલ થતાં સુરતીઓમાં ભયંકર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. દર્દીઓના સ્વજનો હોસ્પિટલોની બહાર ભારે આક્રંદ કરતા જોવા મળી રહ્યાં છે. અનેક દર્દીઓ એવા છે, જે મેડિકલ સુવિધાના અભાવે જીવ ગુમાવી રહ્યાં છે. બારડોલીના ઉમરાખમાં આવી જ રીતે એક દર્દીનું મોત ઓક્સિજનના અભાવને કારણે થયું છે.

બારડોલીના ઉમરાખ ગામની આ ઘટના છે. 1 એપ્રિલના રોજ જ્યોતિબેન મનસુખ વસાવા નામની મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી તેમને સારવાર માટે ઉમરાખ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 6 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે જ તેમના સ્વજનોએ તેમની સાથે વાત કરી હતી. જેમાં જ્યોતિબેનને પરિસ્થિતિ સારી હતી. પરંતુ અચાનક બપોરે જ્યોતિબેનના મોતના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ઓક્સિજનના અભાવે જ્યોતિબેનનું મોત થયુ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો.

પરિવારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઓક્સિજન નહિ હોવા છતાં દર્દીઓને કેમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આજે સવારે સુધી પરિસ્થિતિ સામાન્ય હોવાનું અમને જણાવાયું હતું. ત્યારે ઓક્સિજન ખલાસ થઈ ગયો છતાં સ્ટાફ દ્વારા પરિવારના કોઈ સદસ્યને કેમ જાણ કરવામાં ન આવી. ત્યારે હોસ્પિટલના ચીફ ડોક્ટર પણ ગેરહાજર રહેતા હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો હતો.

ગુજરાતભરમાં આવા કિસ્સાઓ વધી રહ્યાં છે. જેમાં સ્વજનો કહી રહ્યા છે કે, હમણા જ તો અમે વાત કરી હતી, ત્યારે સ્વસ્થ હતા. આવા કિસ્સામાં હવે સ્વજનો પણ સતર્ક બની રહ્યાં છે. રાજકોટમાં દર્દીઓ સાથે વાત કરવા માટે પણ સ્વજનોની હોસ્પિટલ બહાર લાંબી લાઈન જોવા મળી રહી છે.

(5:41 pm IST)