Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અમદાવાદમાં પિતાએ 13 વર્ષના પુત્રને કિડનીનું દાન કરતા બાળકને નવજીવન મળ્‍યુઃ બાળકની વેદના પિતા જોઇ ન શક્‍યા અને ત્‍વરીત નિર્ણય લીધો

અમદાવાદ: 13 વર્ષીય યશ સ્કુલમાં અભ્યાસ કરતો અને રમત-ગમતમાં ખુશખુશાલ જીવન વ્યતિત કરતો પરંતુ 2018 નું વર્ષ તેના માટે કાળમુખુ સાબિત થયું. વર્ષ 2018 માં યશની કિડની ફેલ થવાની તેના પરિવારજનોને જાણ થઇ. જે સાંભળી પરિવારજનોના પગ તળે જમીન ખસી ગઇ !! આ સમસ્યાની સારવારના ભાગરૂપે ડાયાલિસિસની જરૂરિયાત જણાઇ અને નિયમિત ડાયાલિસીસ શરૂ કરાવવામાં આવ્યું. બાળકની વેદના વળી પિતા કેમની જોઇ શકે? ગમે તે ભોગે પોતાના 13 વર્ષીય બાળક યશને બચાવવા તેના પિતા અથાગ મહેનત કરી રહ્યાં હતા. તેઓએ કિડની હોસ્પિટલના તબીબોને પોતાની કિડની બાળકમાં પ્રત્યારોપણ કરવા માટેનો પણ પ્રસ્તાવ મૂક્યો. સદભાગ્યે યશના પિતાનું કેડેવર યશથી મળી આવ્યું અને 2019 માં પોતાના પિતા દ્વારા દાન કરાયેલી કિડનીના પ્રત્યારોપણ થકી યશને નવજીવન મળ્યું.

પરંતુ દુર્ભાગ્યનું પૈડું અહીંયા થંભે એવું તો ક્યાં હતું. યશના પિતા દ્વારા દાન કરાયેલી કિડનીના પ્રત્યારોપણ બાદ એક જ દિવસમાં યશ “નેફ્રોટિક સિન્ડ્રોમ” નામની બિમારીનો ભોગ બન્યો. જે સમગ્ર વિશ્વમાં જૂજ પ્રમાણમાં જોવા મળતી બિમારી છે. આ બિમારીનું નિદાન થતા “પ્લાઝમા ફેરેસિસ” જ એક માત્ર વિકલ્પ હતો જે એક ખર્ચાળ થેરાપી છે. જેમાં લોહીને પાછુ ખેચીંને પ્લાઝમા અને કોષોને છૂટા પાડવામાં આવે છે અને આ કોષોને રક્તપ્રવાહમાં ફરીથી સ્થાનાંતરિત કરીને લોહીમાંથી પ્લાઝમાં દૂર કરવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

આ સમગ્ર પ્રક્રિયાને ઓટોઇમ્યુન સ્થિતિમાં પહોંચેલા માનવશરીરમાંથી એંટીબોડીને હટાવવા માટે કરવામાં આવે છે. જે કારણોસર તે અત્યાંત ખર્ચાળ બની રહે છે. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કિડની હોસ્પિટલના તબીબ ડૉ. સાહા કહે છે કે આ સમગ્ર સારવાર દરમિયાન અમને વિશ્વાસ હતો કે પ્રત્યારોપણ કરવામાં આવેલી કિડનીમાં પ્લાઝમાફેરેસિસ પ્રક્રિયાથી હકારાત્મક પરિણામ મળી રહેશે. પરંતુ તેને કેટલો સમય લાગશે તેની સમયમર્યાદાને લઇ એક પ્રશ્નાર્થ હતો. પરંતુ અન્યત્ર વિકલ્પ ન હોઇ અમે માતા-પિતાની સહમતીથી આ થેરાપી માટે આગળ વધ્યા.

પ્લાઝમાફેરેસિસના 50 સેશન્સ બાદ અમને ધાર્યુ પરિણામ મળવાનું શરૂ થયું અને તબીબોની મહેનત અને માતા-પિતાની તબીબોમાં રાખેલી શ્રધ્ધા કામે લાગી. આજે યશમાં પ્રત્યારોપણ થયેલ કિડની સામાન્ય સ્થિતિમાં 0.6 એમજી/ડીએલનું ક્રિએટિનાઇન લેવલ જાળવી રહી છે. આ વિશે કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા કહે છે કે પ્લાઝમાફેરેસિસના સારવારનો વિદેશમાં સેશન દીઠ 2000 યુ.એસ. ડોલર એટલે કે અંદાજે 14 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે.

સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લાના સોનપરા ગામના ખેડૂત પરિવારના યશસ્વી પુત્ર યશના જીવનને કાર્યદક્ષ બનાવવા અંદાજીત 25 લાખની અત્યંત ખર્ચાળ સારવાર શક્ય ન હતી. પરંતુ રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સમગ્ર સારવારને આવરી લેવામાં આવી છે. ખાસ કરીને સ્કુલમાં ભણતા બાળકોની તમામ પ્રકારની ગંભીર બિમારીને સ્કુલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ આવરી લઇને તમામ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

(5:40 pm IST)