Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

રેમડેસિવીર ઇંજેક્ષન બનતા ૧૪ દિવસ લાગે, કાલે ગુજરાતમાં ૩પ૦૦૦નો જથ્થો ઠાલવાશે

દેશમાં ૬ ઉત્પાદક કંપનીઓઃ વપરાશ અંગે સરકાર ગાઇડલાઇન પ્રસિધ્ધ કરશે

રાજકોટ તા. ૬ :.. રાજયમાં કોરોનાનાં દર્દીઓની સારવાર માટે વપરાતાં રેમડેસીવર ઇન્જેકશનોની અછત નિવારવા સરકારે પગલા શરૂ કર્યા છે કેડીલા સહિતની કંપનીઓને વધુ જથ્થા માટે ઓર્ડર આપ્યો છે.

આવતીકાલે વધુ ૩પ હજાર ઇન્જેકશનો ગુજરાતમાં ઠાલવવામાં આવશે.

દેશમાં રેમડીસીવર ઇન્જેકશનોનું ઉત્પાદન છ કંપનીઓ કરે છે. ઇન્જેકશન બનાવવાનું શરૂ કર્યા પછી તૈયાર થતાં ૧૪ દિવસ લાગે છે.

કોરોનાનાં કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ઝડપી ઉછાળો આવતા માંગ વધીને છે.

રાજયનાં ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. એચ. જી. કોશીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ છેલ્લા ૪ દિવસમાં ગુજરાતમાં ૭ર હજાર આવા ઇન્જેકશન વપરાયા છે.

ગઇકાલે સરકારી અને ખાનગી રેમડેસીવરનો કલોઝીંગ સ્ટોક પ૧ હજાર હતો.

રાજયમાં આવતીકાલે વધુ ૩પ હજાર ઇન્જેકશનો મળશે જેમાંથી ૧પ હજાર સરકારી હોસ્પીટલો માટે રખાશે અને ર૦ હજાર ખાનગી હોસ્પીટલોને ફાળવાશે.

ફેફસામાં સોજો કે એવા કોઇ ખાસ સંજોગો હોય ત્યારે જ આ ઇન્જેકશનો અપાય છે.

આ ઇન્જેકશન એ કોરોનાનો રામબાણ ઇલાજ નથી પણ સારવારને ઝડપી બનાવે છે.

ઇન્જેકશનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તજજ્ઞોએ ડોકટરો માટે સુચવેલી ગાઇડ લાઇન ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.

ઇન્જેકશન મળવામાં મુશ્કેલીની પરિસ્થિતી ગણતરીનાં દિવસોમાં થાળે પડી જશે.

સરકારી હોસ્પીટલોમાં આ ઇન્જેકશનોની મુશ્કેલી નથી. ખાનગી હોસ્પીટલોને પણ પુરતો જથ્થો ઉપલબ્ધ બનાવાશે.

(4:05 pm IST)