Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોંગ્રેસનું મંથનઃ વિધાનસભાની ચૂંટણીની ચર્ચા

પક્ષને પાયાથી મજબૂત કરવા આહવાનઃ અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયાની હાજરીમાં પ્રદેશ કોંગ્રેસની બેઠક

રાજકોટ,તા.૬: ગુજરાતમાં  છ મહાનગરપાલીકા, ૩૧ જીલ્લા અને ૨૩૧ તાલુકા પંચાયતો તેમજ મહાનગરપાલિકાઓની ચુંટણીમાં મળેલ કરારી હાર પછી પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને ફરીથી પાયાથી મજબુત કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મળેલી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા, વિધાનસભાના નેતા પરેશ ધનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિધાર્થ પટેલ,અર્જુન મોઢવાડિયા સહિતના હાજર રહ્યા હતા.

આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકા ચુંટણીની રણનીતિ  અંગે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં હાર થતાં કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી જતા કાર્યકર્તાઓમાં જોશ અને જુસ્સા ભરીને પાર્ટીને ફરી એકવાર પાયાથી મજબુત બનાવવામાં વિચારણા કરવામાં આવી હતી.

વિશેષ કરીને આગામી વર્ષે થનારી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓમાં કાર્યકરોએ કામે લાગી જવા આહવાન કરાયું હતું. બેઠકમાં વિધાયક શૈલેશ પરમાર, હિમ્મત સિંહ પટેલ,સી.જી.ચાવડા,પૂર્વ મંત્રી નારાયણ રાઠવા સાંસદ અમી યાજ્ઞિક અને ઇન્દ્રવિજય સિંહ ગોહિલ સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

(3:31 pm IST)