Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

અમદાવાદમાં કોરોના બેકાબુ : ટેસ્ટીંગ માટે લાંબી કતારો : એન્ટીજન કિટ્સની અછતથી પડી હાલાકી

ઘાટલોડિયા, જમાલપુર, વસ્ત્રાપુર લેક, અંકુર ચાર રસ્તા, બોડકદેવ, સેટેલાઇટ, પ્રહલાદનગર સહિત અનેક જગ્યાએ કોરોના ટેસ્ટીંગ ડોમ

અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેને પગલે કોરોના ટેસ્ટીંગ ડોમની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ એન્ટીજન ટેસ્ટ માટે ઉભા કરાયેલા ડોમમાં લોકો ટેસ્ટ કરાવવાની આશાએ ખરાતડકે લાંબી કતારો લગાવીને ઉભા રહેવા મજબુર બન્યા છે. બે કલાકથી લાઇનમાં ઉભા રહેવા છતાં વારો આવે ત્યાં સુધીમાં ટેસ્ટીંગ કિટ્સ ખૂટી પડતા લોકોને વિલા મોઢે પરત ફરવું પડી રહ્યુ છે. થોડી થોડી વારે કોરોનાની કીટ પુરી થઇ જાય છે. જ્યાં સુધી કીટ ન આવે ત્યાં સુધી લોકોને રાહ જોવી પડે છે

   અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા,જમાલપુર,વસ્ત્રાપુર લેક, અંકુર ચાર રસ્તા, બોડકદેવ, સેટેલાઇટ, પ્રહલાદનગર સહિત અનેક જગ્યાએ કોરોના ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. ડોમ પર કોરોના ટેસ્ટીંગ કરવા આવતી ટીમોને માત્ર 25 થી 50 કીટ્સ અપાતા ટેસ્ટીંગ કરાવવા આવનારા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દેરક ડોમમાં આ સ્થિતિનું નિર્માણ થતા ટેસ્ટીંગ ડોમ ખાલી જોવા મળે છે. પરંતુ તેની સામે તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં આવી રહ્યા નથી. ત્યારે હવે અમદાવાદમાં જો કોરોનાને નાથવો હશે તો ટેસ્ટિંગ અને રસી રામબાણ ઇલાજ હોવાથી તંત્રે પુરતી વ્યવસ્થા કરવી પડશે તો જ કોરોના જંગ સામે જીત મેળવી શકાશે.

(1:51 pm IST)